માતા વૈષ્ણોદેવીની યાત્રા માટે હવે ઓનલાઈન બુકિંગ ફરજીયાત રહેશે. આવો એક નિર્ણય બનેલી ઘટના બાદ લેવામાં આવ્યો છે. ઓફલાઈન સ્લીપ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે. મુસાફરોના લોકેશનને ટ્રેક કરવા માટે રેડિયો ફ્રિક્વન્સી આધારીત આરએફઆઈડી ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા સહિત અન્યભીડ વ્યવસ્થાપન પગલા લેવામાં આવશે. માતા વૈષ્ણોદેવી ભવન પાસે સર્જાતી દુર્ઘટના પછી ડે.કટનન્ટ ગવર્નર મનોજસિંહાની અધ્યક્ષતામાં રવિવારે માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજભવન ખાતે યોજાયેલી આ ખાસ બેઠકમાં શ્રધ્ધાળુઓની સુરક્ષા નક્કી કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારને તમામ નિર્ણયોનો તાત્કાલીક અમલ કરવા સુચના આપવામાં આવી હતી. બોર્ડ ચીફ-એકિઝકયુટિવ ઓફિસર રમેશકુમારને ભીડ વ્યવસ્થાપન માટે 100 ટકા ઓનલાઈન બુકિંગ મુસાફરી રૂટ, ખાસ કરીને બિલ્ડિંગ એરિયામાં કોઈ ભીડ ન હોય અને ભકતોના પ્રવેશ-બહાર નીકળવા માટે અલગ રૂટની ખાતરી કરવા માટે નિર્દેશ આપ્યો હતો. બોર્ડના અધ્યક્ષ લેફટનન્ટ ગવર્નરે કહ્યું કે આર.એફ.આઈડી ટ્રેકિંગ સિસ્ટમને તાત્કાલિક અસરકારક બનાવવી જોઈએ. તેમને ટેકનિકલ નિષ્ણાંતોની સલાહ પણ માંગી હતી. મુસાફરોની સુવિધા અને સલામતી માટે ટુંક સમયમાંજ પ્રવાસ માર્ગ અને મકાન વિસ્તારમાં માસ્ટર પ્લાન અમલી બનશે. બાળકો અને વૃદ્ધો માટે રોપ-વે બનાવવામાં આવશે.જયારે ભીડ વ્યવસ્થાપન માટે સ્કાય વોક અને સસ્પેન્શન બ્રીજ તૈયાર કરવામાં આવશે.
વર્ષના પહેલા દિવસે વૈષ્ણોદેવી તીર્થધામમાં ધક્કામૂક્કીને કારણે 12 લોકોના મોત નીપજ્યા હતા. આ સાથે ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. વૈષ્ણોદેવી તીર્થધામમાં સમયાંતરે આવી ભીડ થાય છે. જેની સામે વ્યવસ્થા રૂપી આ એક નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વર્ષની ભીડ દરમિયાન યાત્રાળુઓના બે જૂથો વચ્ચે લડાઈ ફાટી નીકળ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ફાટી નીકળેલી નાસભાગમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા અને 16 અન્ય ઘાયલ થયા. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ભીડ મોટી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ-સત્તાવાળી તપાસ સમિતિએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સામાન્ય લોકોને આ ઘટના વિશે વીડિયો, નિવેદનો અથવા અન્ય કોઈ પુરાવા શેર કરવા અપીલ કરી હતી. સિંહાએ રવિવારે અહીં માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે અહીં રાજભવનમાં આયોજિત બેઠકમાં શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમાર સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

