સુરત,શનિવાર
અઠવાગેટ ખાતે આવેલી મહાવીર હોસ્પિટલમાં હવેથી હાર્ટ ટ્રાન્સ્પલાન્ટ કરી શકાશે. હાર્ટ ટ્રાન્સ્પ્લાન્ટ માટે સરકાર પાસેથી એક વર્ષ પહેલાથી પરવાનગી માગવામાં આવી હતી, સમયાંતરે થયેલા ઇન્સપેક્શન બાદ હાલ હોસ્પિટલને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. હાર્ટની સાથે સાથે આ હોસ્પિટલમાં લંગ્સ ટ્રાન્સ્પ્લાન્ટ પણ કરવામાં આવશે, એક જ સ્થળે આવા બંને ટ્રાન્સ્પલાન્ટ થતાં હોય તેવી આ રાજ્યની પહેલી હોસ્પિટલ બનશે.
મુંબઈની રીલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સુરતમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. મુંબઈમાં સેંકડો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનારા ડો. મૂળે સહિતની ટીમ શરૂઆતમાં સુરતમાં આવીને ટ્રાન્સપ્લાન્ટ કરશે. 10 હાર્ટનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ થયા બાદ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. સુરતથી સૌથી વધુ ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે, એટલે સુરતમાં આગામી દિવસોમાં મેડિકલ ટુરિઝમ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે.તેમણે વધુમાં કહ્યું કે, હાલ જ તેમની પાસે એવા બે દર્દીઓ છે કે જેમને હાર્ટની જરૂર છે. જો કોઈ ડોનર મળી જાય અને રોટો કે સોટો મુજબ આ ડોનર્સને હાર્ટ મળી જાય તો તેમના હાર્ટ સુરતમાં જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

