અમદાવાદ, શુક્રવાર
બોપલમાં મુમદપુરા ખાતે બની રહેલો ઓવરબ્રિજનો એક સ્લેબ તૂટી પડ્યા બાદ ઔડાના અધિકારીઓના ગુરૂવાર સવારથી જ ગાંધીનગરના તેડાં આવી ગયા હતા. ઓવરબ્રિજની ઘટના બાદ કન્સલ્ટન્ટ, કોન્ટ્રાક્ટર સામ-સામા આવી ગયા છે. બોપલબ્રિજની ઘટના બાદ અન્ય નિર્માણધીન બ્રિજની પણ તપાસ કરાવવા સ્થાનિક તંત્રે આદેશ આપ્યા છે. ઔડાના સીઇઓ એ.બી.ગોરે કહ્યું કે, તપાસ અહેવાલ આવે નહીં ત્યાં સુધી બ્રિજનું કામ બંધ રહેશે. હાલ કંઈ પણ કહી શકાય તેમ નથી.
બીજી તરફ રણજિત બિલ્ડકોનના ફાઉન્ડર ગૌરાંગ પટેલે કહ્યું કે, મિકેનિકલ અથવા ડિઝાઇનમાં ખામી હોઇ શકે છે. સ્ટ્રેસિંગની પ્રક્રિયા કરતા પહેલાં કોંક્રીટના ટયૂબ ટેસ્ટ થાય છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી જ કામ કરવા મંજૂરી અપાય છે. બુલેટ ટ્રેનમાં અમે ક્વોલિફાય થયા હતા પણ અમને કામ મળ્યું નથી. ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયરિંગ પ્રા.લી.ના ફાઉન્ડર આનંદ શાહે કહ્યું કે, બ્રિજની ડિઝાઇનનો વાંક નથી, વૈષ્ણોદેવી પાસેના બ્રિજમાં પણ આ જ ડિઝાઇન છે. કોંક્રીટ ફેઇલ થયું હશે. તપાસ અહેવાલની રાહ જોઇ રહ્યા છે.

