નવી દિલ્હી, શુક્રવાર
લંકા પ્રીમિયર લીગ (LPL)ની બીજી સિઝન આ વર્ષે શ્રીલંકામાં રમાઈ હતી. આમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જાફના કિંગ્સે પોતાનું ટાઈટલ જાળવી રાખ્યું હતું. ફાઇનલમાં જાફનાએ ગાલે ગ્લેડીયેટર્સની ટીમને 23 રનથી હરાવ્યું હતું. ચેમ્પિયન ટીમે મેચમાં કુલ 12 સિક્સર ફટકારી હતી. ગાલે ટીમ માટે ઓપનર ધનુષ્કા ગુણાથિલકાએ 21 બોલમાં 54 રન ફટકાર્યા હતા, પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા ન હતા.
હમ્બનટોટામાં રમાયેલી આ ટાઈટલ મેચમાં જાફનાના કેપ્ટન થિસારા પરેરાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ઓપનર અવિષ્કા ફર્નાન્ડોએ 41 બોલમાં 63 અને ટોમ કોહેલર-કુડમોરે 41 બોલમાં અણનમ 57 રન બનાવ્યા હતા. પાકિસ્તાની સ્ટાર શોએબ મલિકે પણ 11 બોલમાં 23 રન બનાવ્યા હતા. જેના કારણે જાફનાની ટીમે 3 વિકેટે 201 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં કુલ 12 સિક્સર ફટકારવામાં આવી હતી.ઓપનર ધનુષ્કાએ 21 બોલમાં 54 રનની ઝડપી ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 3 સિક્સર ફટકારી હતી. તેના સિવાય કોઈ પણ બેટ્સમેન ગાલે ટીમ માટે મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. ટીમે 9 વિકેટ ગુમાવીને માત્ર 178 રન બનાવ્યા હતા અને ટાઇટલ મેચ 23 રનથી હારી હતી.આ વખતે અવિષ્કા ફર્નાન્ડોને લંકા પ્રીમિયર લીગમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવી હતી. ફાઇનલમાં પણ તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો હતો. આવિષ્કાએ ટૂર્નામેન્ટમાં 312 રન બનાવ્યા હતા. જ્યારે ટાઇટલ મેચમાં તેણે 41 બોલમાં 63 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

