HomeGujaratહેડક્લાર્ક પેપરલીક કાંડ : દાળમાં કંઈક કાળું નહી પણ આખી દાળ જ...

હેડક્લાર્ક પેપરલીક કાંડ : દાળમાં કંઈક કાળું નહી પણ આખી દાળ જ કાળી છે 

અલ્પેશ પટેલ, ગાંધીનગર, ગુરૂવાર

  હેડક્લાર્ક પેપરલીક કાંડમાં પોલીસે 18 આરોપીઓની ધરપકડ કરીને રૂપિયા ૭૮ લાખ પકડ્યા છે જે સારી બાબત છે. પોલીસની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તે પણ સારી બાબત છે. ગૌણ સેવા મંડળને જે પેપર પ્રિન્ટ કરવા આપ્યું હતું તે સાણંદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે અને પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝરની પણ ધરપકડ કરી છે જે પણ સારી બાબત છે. હવે આ તપાસમાં સૂર્યા ઓફેસટનો માલિક મુદ્રેશ પુરોહિત પણ પોલીસના સકંજામાં આવ્યો છે અને તેની તપાસ ચાલુ છે પણ છેલ્લા બે દિવસથી તેની તપાસમાં શું વિગતો બહાર આવી તે પોલીસ જણાવી શકી નથી.

  મુદ્રેશ પુરોહિત ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલો છે અને ભાજપના નેતાઓની મહેરબાની હોવાથી તેને બારેમાસ પ્રિન્ટિંગ પ્રેસના ઓર્ડર મળતા રહે છે. મુદ્રેશ પુરોહિત પોતે ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવા છતાં પણ ગૌણ સેવા મંડળના અસિત વોરાને તેના પ્રત્યે એટલો બધો પ્રેમ ઉભરાયો કે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે અને પોતાની દોસ્તી નિભાવી રહ્યા છે. તપાસ હવે મુદ્રેશ ઉપર આવીને અટકી છે અને રખે ચૂકે જાે મુદ્રેશ વટાણા વેરી નાખે તો અસિત વોરાની બકરી ડબામાં આવી શકે છે પણ અહીંયા સરકાર પાણી પહેલા પાળ બાંધી રહી છે. મુદ્રેશની તપાસ ઊંધા પાટે ચડાવવામાં આવી રહી હોવાનું જણાઈ રહ્યું છે. અગાઉ આ મુદ્રેશ નાના કર્મચારીઓને બલિના બકરા બનાવીને છટકતો રહ્યો છે તેમ આ કેસમાં પણ છટકી જશે તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.

  ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા કે જેઓ પોતે ઈમાનદાર હોવાનો ડોળ કરે છે તેમની સામે સવાલો એટલા માટે ઊઠી રહ્યા છે કે, આ મહાશય ચેરમેનને જ્યારે યુવરાજસિંહે પુરાવા આપ્યા ત્યારે તેમણે કહ્યું કે, અમારી પાસે પુરાવા આવશે એટલે કાર્યવાહી કરીશું. બોલો, આ મહાશય ચેરમેન પાસે પુરાવા આવ્યા જ નહી. મંડળના સર્વે સર્વા ચેરમેન હોવા છતાં આટલો મોટો પેપરલીક કાંડ થયો હોવા છતાં પણ તેઓ સામેથી પોલીસ પાસે ગયા નહી કે પોલીસ ફરિયાદ પણ નોંધાવી નહી. યુવરાજસિંહના પુરાવાનો એ રીતે છેદ ઉડાડી દીધો કે, ઠોસ પૂરાવા મળ્યા નથી. બોલો, આ ચેરમેન અસિત વોરાને પુરાવા યોગ્ય લાગ્યા જ નહી અને પછી ભીંસ વધી એટલે સાબરકાંઠા પોલીસને ઈ-મેઈલ કરીને કહ્યું કે, હા પેપરલીક થયું છે.

  મંડળના ચેરમેન કે જેના માથે પેપરથી લઈ પરીક્ષાના આયોજનથી લઈ સમગ્ર જવાબદારી હોય છે એ ચેરમેન પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખે છે અને તેથી ઓછું હોય તેમ સ્વેચ્છાએ પ્રમાણિક્તાથી પોતાનું રાજીનામું આપવાના બદલે આ મહાશય ચેરમેન મુખ્યમંત્રીને મળવા જાય છે અને મળીને આવે છે એટલે બેશર્મીથી કહે છે કે, શુભેચ્છા મુલાકાત હતી. અરે ભાઈ, આ કંઈ દિવાળી હતી કે કોઈ ખાસ તહેવાર હતો તે તમે શુભેચ્છા મુલાકાત લેવા માટે આવ્યા હતા. પેપરકાંડમાં ૮૮ હજાર પરિવારનો વિશ્વાસ તૂટ્યો છે, અસિત વોરાએ 88 હજાર પરિવારો સાથે દ્રોહ કર્યો છે અને આ જ અસિત વોરાને સરકાર પોંખી રહી છે. સરકારના મંત્રીઓ અસિત વોરાને લઈ નિવેદન કરે છે કે, તેઓ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. અહીં ઘરના જ ભૂવા અને ઘરના ડાકલા જેવો ઘાટ ઘડાય છે કેમ કે, અસિત વોરા ભાજપના નેતા છે અને ભાજપની સરકાર સત્તામાં બેઠી છે એટલે મોસાળમાં મા પિરસનારી હોય એટલે અસિત વોરાને ફાવતું મળી જાય તેમાં બેમત નથી. 

  સૂર્યા ઓફેસટના માલિક મુદ્રેશ પુરોહિતનો પ્રેસ પેપરલીક માટે કૂખ્યાત થયેલો છે પણ અસિત વોરાએ તેમાંથી કોઈ બોધપાઠ લીધો નહી. અસિત વોરાએ એક વાર નહી પણ ત્રણ-ત્રણ વાર કોન્ટ્રાક્ટ આપ્યા હતા. અગાઉ પોલીસે કહ્યું હતું કે, ગૌણ સેવા મંડળ અને પ્રિન્ટિંગ પ્રેસ વચ્ચે શું કરાર થયા હતા તેની તપાસ કરાશે પણ એ તપાસનું પણ હાલ તો ફીડલું વળી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. અસિત વોરાના ફરતે કાયદાનો મજબૂત ગાળિયો ન કસાય તે માટે કોઈ મોટું દબાણ કામ કરી રહ્યું છે તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ગૌણ સેવા મંડળનું પેપર લીક થાય અને ચેરમેન અંધારામાં તીર મારે, પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની જગ્યાએ પુરાવા માગે, આટલો મોટો કાંડ થયો હોય અને ચેરમેનનું પેટનું પાણી ન હાલે તે અનેક શંકાઓ ઉપજાવે છે.

  આ મહાશય ચેરમેનને 88 હજાર પરિવારો પ્રત્યે કોઈ સંવેદના પ્રગટી નહી, તેમણે હજુ સુધી મીડિયા સામે આવીને માફી પણ માગી નથી, અરે માફી એક બાજુ મૂકો પણ પેપરલીક થવાના કારણે જે 88 હજાર પરિવારોના સપના રોળાયા છે તેવા પરિવારો માટે સહાનુભૂતિ પણ વ્યક્ત કરી નથી. આવો લાગણીવિહન ચેરમેન તમને શોધ્યો પણ જડશે નહી. ચેરમેન પેપરકાંડની જવાબદારી સ્વીકારી હજુ સુધી બોલ્યા પણ નથી કે, મને દુઃખ થયું છે અને મારી લાગણી એ 88 હજાર પરિવારો સાથે છે. બોલો, આ મહાશય ચેરમેન અસિત વોરાને બચાવવા સરકાર કૂદી પડી છે અને એક ઝાટકે હકાલપટ્ટી કરવાના બદલે અસિત વોરાને આશ્રિત થઈ ગઈ છે.

  આ તો કેવી મજબૂરી કે કઈ લાચારી કે અસિત વોરા સામે કડક પગલાં ભરવામાં સરકાર પીછેહઠ કરી રહી છે. મુદ્રેશ પુરોહિતની તપાસ પણ હવે આગળ વધશે નહી તેવું જણાઈ રહ્યું છે કેમ કે, જાે આગળ તપાસ થાય અને રખે ચૂકે મુદ્રેશ વટાણા વેરી દેતો આ ભાજપના અસિત વોરા કાયદાના સકંજામાં આવી શકે અને તેમ થાય તો ભાજપની આબરૂ ધૂળધાણી થઈ જાય તેમ છે. આટ આટલા આક્ષેપો થયા હોવા છતાં પણ પદ ઉપર ચીટકેલા અસિત વોરાનો આત્મા પણ ડંખતો નથી અને સ્વેચ્છાએ રાજીનામું પણ આપતા નથી. અરે, સ્વેચ્છાએ રાજીનામું આપવાની વાત તો બાજુ પર મૂકીએ તો પણ સરકાર પણ અસિત વોરાને પોંખી રહી છે, મુખ્યમંત્રી પણ ક્લીનચીટ આપી રહી છે અને જેના કારણે અસિત વોરા મુખ્યમંત્રીને મળીને આવે છે અને નફ્ફટાઈથી કહે છે કે, શુભેચ્છા મુલાકાત હતી. અરે ભાઈ, તમે આવા બેજવાબદારીભર્યા નિવેદનો કરીને 88 પરિવારનો ઘા ઉપર મલમ લગાવવાના બદલે મીઠું ભભરાવી રહ્યા છો તેનો અંદાજાે તમને નથી એ કડવું સત્ય છે.

  મહાશય ચેરમેન તમે ક્યારેય વિચાર્યું છે કે, ખેતીની કે દૂધની આવકમાં જીવન નિર્વાહ કરતા સેંકડો પરિવારોએ તેમના લાડલા દીકરા કે દીકરીને સરકારી નોકરી મેળવવા માટે કોચિંગ મળે તે માટે પેટે પાટા બાંધીને ગાંધીનગર મોકલ્યા છે, અમદાવાદ મોકલ્યા છે. પેપરલીક થયાને 11 દિવસનો સમય વીતિ ચૂક્યો છે પણ ચેરમેન અસિત વોરાના મોંઢા ઉપર સ્હેજ ગંભીરતા નથી અને આ મહાશય ચેરમેન પોતે દોષિત નથી તેવા પુરાવા લઈને સીએમને મળવા દોડી જાય છે. આ કેસની તપાસ મુખ્યમંત્રી કરી રહ્યા છે કે પોલીસ તેનો જવાબ વોરાએ 88 હજાર પરિવારોને આપવો જાેઈએ તેવું ઉમેદવારો પણ કહી રહ્યા છે.

  પેપરકાંડની સમગ્ર ઘટનામાં દાળમાં કંઈક કાળું નહી પણ આખી દાળ જ કાળી છે. 18 આરોપીઓ પકડાયા છે તેમાં કોઈ પણ મોટું માથું નથી અને જે પકડ્યા છે એ માત્રને માત્ર નાના માછલા છે. અસિત વોરા જેવા મોટા મગરમચ્છ સ્હેજ પણ ગંભીરતા વિના બિન્દાસ્ત ફરી રહ્યા છે અને આ અસિત વોરાને પદ પરથી હટાવવા માટે રાજ્યભરમાં કોંગ્રેસ અને આપ પાર્ટી જાેરદાર વિરોધ કરી રહી છે તેમ છતાં પણ ભાજપના પ્રવક્તાઓ, મંત્રીઓ અને પ્રદેશ પ્રમુખ પિપૂડા વગાડે છે કે, કોઈ પણ દોષિત હશે તેણે છોડવામાં આવશે નહી. જ્યારે સવાલ અસિત વોરાને લઈ પૂછાય છે ત્યારે મંત્રીઓની બોલતી બંધ થઈ જાય છે અને ઊંધા જવાબો આપીને છટકી જાય છે.

  તમે અસિત વોરાને બેશક બચાવી શકો છો કેમ કે, એ તમારી પાર્ટીના નેતા છે અને ભૂતકાળમાં અમદાવાદના મેયર પણ રહી ચૂક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જૂની દોસ્તીના નાતે વોરાને સાચવી લે પણ 88 હજાર પરિવારો, રાજ્યના લાખો શિક્ષિત બેકારો અસિત વોરાને કે સરકારને ક્યારેય માફ નહી કરે. પેપરકાંડ એ કોઈ ભૂલથી થયેલી ઘટના નથી એ કેમ અસિત વોરા હજુ સ્વીકારતા નથી તેનો સવાલ સરકાર પાસે પણ નથી. પેપરકાંડની ઘટના છાશવારે બની રહી છે અને તેમાં આજ દિન સુધી કોઈ મોટા મગરમચ્છને સજા થઈ નથી એ પણ જીવતું જાગતું ઉદાહરણ છે. અગાઉ પેપરલીકની ઘટનામાં તપાસ કરીને અંતે તપાસનું ફીડલુંવાળી દેવામાં આવ્યું હતું તેવું જ આ કેસમાં થવાનું છે તે નક્કી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જ નહી પણ રાજ્યના લાખો ઉમેદવારો કહી રહ્યા છે કે, અસિત વોરાએ પોતાની જવાબદારી સ્વીકારી સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જાેઈએ પણ એ થતું નથી.

  એ એટલા માટે થતું નથી કે અસિત વોરા ભાજપના માણસ છે. યુપીએસસીથી લઈ કેન્દ્રીય પરીક્ષા યોજતી એજન્સીઓના ઉદાહરણ લો કે, ગુજરાતમાં જીપીએસસીનું ઉદાહરણ લો કે રેલવે ભરતી બોર્ડનું ઉદાહરણ જાેઈએ તો બેશક છાતી ઠોકીને કહી શકીએ કે તેમના પેપર લીક કરવા એટલા લોઢાના ચણા ચાવવા બરાબર છે. આવી એજન્સીઓ ઉપર બિન રાજકીય અને પ્રતિભાશાળી અધિકારીઓ બેસતા હોય જેઓ એ દોરમાંથી ગુજરી ચૂક્યા છે કે, મહેનત કેવી રીતે કરાય છે અને તેમના માટે તેમનો પરિવાર કેટલો ભોગ આપે છે તે સારી રીતે સમજી શક્તા હોય છે. અહીંયો તો વાડજ ચીભડા ગળે છે અને ભાજપની વ્યક્તિને ગૌણ સેવા મંડળના ચેરમેન બનાવી દેવામાં આવે છે. અગાઉ પાંચ વર્ષની ટર્મ પૂરી થઈ હોવા છતાં પણ ભાજપ સરકારની મહેરબાની તો જુઓ કે અસિત વોરાને બીજી ટર્મ માટે પણ એક્સ્ટેન્શન આપવામાં આવે છે.

  ગુજરાતમાં કેપેબલ અને બિન રાજકીય અધિકારીઓની કમી નથી પણ ખાટલે મોટી ખોડ એ છે કે, ગૌણ સેવા મંડળને ભાજપે કેસરીયામાં પરિવર્તિત કરી દીધું હોય તેવી છાપ ઉપસી રહી છે. ગુજરાતના 88 હજાર પરિવારો જ નહી પણ ગુજરાતની સાડા છ કરોડ જનતા સરકારની આ રમત બારીકાઈથી જાેઈ રહી છે. અત્યારે ભલે સરકાર પોતાની મસ્તીમાં હોય અને અસિત વોરા પણ પોતાના ગુમાનમાં હોય પણ યાદ રહે, સમય આવે જનતા તમણે લીલાતોરણે ઘેર લાવી શકે છે એ ક્યારેય ભૂલવું જાેઈએ નહી. અસિત વોરા પોતાની જવાબદારીમાંથી છટક્યા છે અને 88 હજાર પરિવારોનો વિશ્વાસ તોડ્યો છે એ નગ્ન સત્ય હોવા છતાં પણ અસિત વોરાને છાવરવાની ભૂમિકા ભજવતી સરકાર આગામી દિવસોમાં મોટી કિંમત ચૂકવવા તૈયાર રહે. ગુજરાતના લાખો ઉમેદવારો અસિત વોરાની આ અક્ષમ્ય બેદરકારીને ક્યારેય માફ કરવાના નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW