નવી દિલ્હી, બુધવાર
રોહિત શર્માને તાજેતરમાં વિરાટ કોહલીના સ્થાને મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ભારતીય ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. તેણે પોતાના બેટથી લિમિટેડ ઓવર્સના ફોર્મેટમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે, જે હજુ સુધી તૂટ્યા નથી. રોહિત વન-ડેમાં ત્રણ બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. તેણે સંયુક્ત રીતે T20 ઈન્ટરનેશનલમાં વિશ્વની સૌથી ઝડપી સદી ફટકારી છે.
રોહિતે 4 વર્ષ પહેલા આ દિવસે (22 ડિસેમ્બર) T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 2017માં આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ ઈન્દોરમાં રમાયેલી મેચમાં તેણે શ્રીલંકા સામે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી.T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરે 29 ઓક્ટોબર 2017ના રોજ બનાવ્યો હતો. તેણે 35 બોલમાં સદી ફટકારી હતી. બે મહિના બાદ રોહિતે પણ આ જ બોલ પર સદી ફટકારીને બરાબરી કરી લીધી હતી. લગભગ બે વર્ષ પછી, 30 ઓગસ્ટ 2019ના રોજ, ચેક રિપબ્લિકના ખેલાડી સુદેશ વિક્રમસેકરાએ પણ 35 બોલમાં સદી ફટકારીને બંનેની બરાબરી કરી હતી. ત્રણેય બેટ્સમેન સંયુક્ત રીતે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બની ગયા છે. આ રેકોર્ડ હજુ તૂટ્યો નથી. આ શ્રીલંકા સિરીઝમાં પણ રોહિત શર્મા કેપ્ટન હતો. આ રીતે તે કેપ્ટન તરીકે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ રેકોર્ડ પણ હજુ તૂટ્યો નથી. રોહિતે 118 રન (43 બોલ)ની ઈનિંગમાં 10 સિક્સ અને 12 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 274.41 હતો.

