કચ્છ જિલ્લામાં ભૂજમાં એકમાત્ર માનસિક આરોગ્યની હોસ્પિટલ આવેલી છે. તેમાં સ્ટાફ તો પુરેપુરો છે પરંતુ ક્લાસ 1 તબીબ જગ્યા છેલ્લા 10 મહિનાથી ખાલી રહેતા મનોરોગીઓને દાખલ કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મનોચિકિત્સકની જગ્યા લાંબા સમયથી ખાલી પડેલી હોય સત્વરે આ જગ્યા ભરવા માટે લોકમાગ ઉઠી છે.

ભૂજની મનોરોગી હોસ્પિટલમાં ફરજ બજાવતા મનોચિકિત્સક ડો. ટીલવાણી ફેબ્રુઆરી મહિનામાં નિવૃત થયા છે. એટલે કે 10 મહિના પહેલા નિવૃત થયા બાદ પણ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાયમી તબીબની નિમણુંક કરવામાં આવી નથી. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સોમવારથી બુધવાર સુધી સુરેન્દ્રનગરના તબીબને અને ગુરૂવારથી શનિવાર સુધી રાજકોટના તબીબોને આ જવાબદારી સોંપાઈ છે. પણ સુરેન્દ્રનગરના તબીબ સરકારી વિભાગમાંથી છુટા થઈ ગયા હોય જેથી સોમવારથી બુધવાર સુધી એમ ત્રણ દિવસ સુધી કોઈપણ તબીબ હાજર રહેતા નહીં હોય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જો આ દિવસોમાં કોઈ દર્દી આવે અને તેનો જો દાખલ કરવાનો હોય તો મનોચિકિત્સકની પરવાનગી માટે દર્દીના સંબંધીઓને જી.કે. જનરલ હોસ્પિટલમાં જવુ પડે છે. જ્યાં તબીબ પાસેથી સહી સિક્કા કરાવવા પડે છે અને બાદમાં દર્દીને ત્યાં દાખલ કરવામાં આવે છે. વર્તમાનમાં આ હોસ્પિટલમાં 30 દર્દીઓ દાખલ છે. જેમાં 11 મહિલાઓ અને 19 પુરૂષો છે. તમામ 30 દર્દી માટે 30 વ્યક્તિનો નર્સીંગ સ્ટાફ ખડેપગે રહે છે.

