નવી દિલ્હી, મંગળવાર
પાકિસ્તાન સતત પોતાની નાપાક હરકતો કરી રહ્યું છે. તાજેતરની ઘટનામાં લાઈન ઓફ કંટ્રોલ નજીક ગામમાં પાકિસ્તાની સેના ગેરકાયદેસર નિર્માણની કોશિશ કરી રહી હતી. જો કે ભારતીય સેનાની ચેતવણી બાદ તેને કામગીરી રોકવી પડી છે. પાકિસ્તાન એલઓસીના 500 મીટર નજીક તીથવાલ સેક્ટર નજીકના ચિલયાના ગામમાં નિર્માણકાર્ય કરી રહી હતી. સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે પાકિસ્તાન એલઓસીનો પ્રોટોકોલ તોડી રહ્યું હતું અને ભારતીય સેનાએ તેને ચેતવણી પણ આપી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રમાણે, ભારતીય સેનાના વિરોધ બાદ નિર્માણકાર્ય રોકવામાં આવ્યું છે. ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે સેનાએ પાકિસ્તાની રેન્જર્સ દ્વારા અંકુશ રેખા પર નિર્માણ કાર્યનો વિરોધ કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે સેનાએ સીમાની નજીક પાકિસ્તાની સેના દ્વારા નિર્માણ કાર્યની અસાધારણ ગતિવિધિ નોટિસ કરી. વીડિયોમાં સેના આ હરકતથી નારાજ દેખાય રહી છે અને લાઉડ સ્પીકર પર ચેતવણી આપતી દેખાય રહી છે. પોલીસ સૂત્રોએ એક ન્યૂઝચેલનના રિપોર્ટરને જણાવ્યું હતું કે સેનાના વાંધા બાદ નિર્માણકાર્યને રોકવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે તેમણે સીમાની બીજી તરફ નિર્માણકાર્ય શરૂ કર્યું હતું. જો કે આ 500 મીટરની રેન્જની અંદર આવે છે. પ્રોટોકોલ પ્રમાણે કોઈપણ આગોતરી જાણકારી વગર કોઈપણ પક્ષ કોઈપણ પ્રકારનું નિર્માણ કાર્ય શરૂ કરી શકે નહીં.

