નવી દિલ્હી, મંગળવાર
લડાખમાં ચીન પોતાની ચાલાકીઓથી બાજ આવી રહ્યું નથી. પેંગોંગ લેક પરભારત સાથે સમજૂતી છતાં ચીને તેની નજીકના વિસ્તારોમાં પાકું નિર્માણ કાર્ય કર્યું છે. ચીને અહીં હેલિપેડ પણ બનાવ્યું છે. સેટેલાઈટ તસવીરોથી આ ખુલાસો થયો છે.
આ ફોટોઝ જેક ડિટ્ચ નામાના રિપોર્ટરે પોસ્ટ કર્યા છે. જેક ડિટ્ચ અમેરિકાના ફોરેન પોલિસી મેગેઝીન માટે કામ કરે છે. કેટલીક તસવીરો સામે આવી છે જે પેંગોંગ લેકના ઉત્તર કિનારાની છે. તેમાં ચીની જેટી, સંભવિત હેલિપેડ અને સ્થાયી બંકર દેખાય રહ્યા છે. આ પહેલીવાર નથી કે જ્યારે ચીનની આવી હરકતોને લઈને આવા પ્રકારનો ખુલાસો થયો છે. આના પહેલા નવેમ્બરમાં અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગનના રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે ચીને અરુણાચલ પ્રદેશમાં મોટું ગામ વસાવી લીધું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીને આ ગામ અત્યારે નહીં, પરંતુ ઘણાં વર્ષો પહેલા જ બનાવી લીધું હતું.
આ સિવાય તાજેતરમાં સેના સાથે જોડાયેલા સૂત્રોએ પણ જણાવ્યું હતું કે ચીને પૂર્વ લડાખમાં એલએસી નજીક મિસાઈલ અને રોકેટ રેજિમેન્ટની તહેનાતી કરી છે. આના સિવાય હાઈવે અને સડકો પર પણ ઝડપથી કામગીરી કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અક્સાઈ ચીન વિસ્તારમાં ચીન હાઈવે બનાવી રહ્યું છે. જેથી તેની કનેક્ટિવિટી મજબૂત થઈ શકે અને એલએસી પર વધારે ઝડપથી પહોંચી શકાય. ચીન માત્ર એરબેઝને અપગ્રેડ જ કરી રહ્યુ નથી,પરંતુ તેણે હાઈવેને પહોળા કરવા અને એરસ્ટ્રીપ બનાવવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે.
મહત્વપૂર્ણ છે કે પેંગોંગ લેકનો ફિંગર-8વાળો વિસ્તાર ગતિરોધ પહેલા જ ચીનના કંટ્રોલમાં છે. હવે મે-2020માં ગતિરોધ બાદ જ્યારે ચીજો સામાન્ય થવાનું શરૂ થયું, તો ભારત-ચીનની સેનાઓ એ વાત પર સંમત થઈ હતી કે પેંગોંગના ઉત્તર અને દક્ષિણ કિનારાઓથી સેનાને પાછી મોકલવામાં આવશે. તેમાં ફિંગર-4થી ફિંગર-8 સુધીનો વિસ્તાર પણ સામેલ હતો. માનવામાં આવે છે કે ચીને હવે ચાલાકી કરી છે. જે વિસ્તારમાં સમજૂતી થઈ હતી, તેની બિલકુલ અડીને ચીને આ સ્થાયી નિર્માણકાર્ય કર્યું છે.

