નવી દિલ્હી, મંગળવાર
યુપી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતની એક સોફા પર સાથે બેઠેલા હોય તેવી તસવીર સામે આવી છે. મોહન ભાગવત સાથેની મુલાયમસિંહની તસવીરને લઈને યુપી કોંગ્રેસે સમાજવાદી પાર્ટી પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે નવી સપામાં સનો અર્થ સંઘવાદ છે ?
યુપી વિધાનસભાની ચૂંટણીની રાજકીય ગરમી વચ્ચે સોમવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની પૌત્રીના લગ્ન સમારંભમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવની મુલાકાત થઈ. તસવીરમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે બંને નેતાઓ એક જ સોફા પર બેઠા છે. આ મુલાકાતે યુપીના રાજકીય માહોલને વધુ ગરમ કરી દીધું છે. સોમવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈય નાયડુની પૌત્રીના લગ્ન સમારંભમાં દેની તમામ રાજકીય હસ્તીઓ સામેલ થઈ હતી. આ કાર્યક્રમમાં ભાગવત અને મુલાયમસિંહ યાદવ એક જ સોફા પર બેઠેલા દેખાય છે. સંઘ પ્રમુખ સાથે રાજસ્થાનના બિકાનેરથી ભાજપના સાંસદ અને કેન્દ્રીય સંસદીય કાર્ય અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી અર્જુનરામ મેઘવાલ હસ્તધૂનન કરતા દેખાય રહ્યા છે, તેમની બાજૂમાં મુલાયમસિંહ યાદવ સમાજવાદી પાર્ટીની લાલ ટોપી પહેરીને બેઠેલા છે.
ભાગવત અને મુલાયમની આ મુલાકાત ભલે એક લગ્ન સમારંભમાં એક સામાન્ય મુલાકાત માનવામાં આવી રહી હોય, પરંતુ અલગ-અલગ વિચારધારાઓ સાથે જોડાયેલી આ હસ્તીઓની એકસાથે દેખાતી તસવીર રાજકીય તાપમાન વધારનારી છે. યુપી કોંગ્રેસે અખિલેશ યાદવનો નવો નારો- નવી સપા-ને લઈને કટાક્ષ કરતા મુલાયમ-ભાગવતની તસવીરના બહાને સપાને સંઘવાદ સાથે સાંકળી દીધી છે.
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોની વચ્ચે શહ-મ્હાતનો ખેલ ચાલી રહ્યો છે. સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવ હાલના દિવસોમાં ભાજપની સાથે આરએસએસને પણ નિશાને લઈ રહ્યા છે. તેવામાં મુલાયમસિંહ યાદવની સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથેની તસવીર પર વિપક્ષે સવાલો ઉભા કરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસે સમાજવાદી પાર્ટીને સંઘ સાથે જોડીને યુપીના મુસ્લિમ વોટરોને સાધવાનો દાંવ ખેલ્યો છે,કારણ કે રાજ્યના રાજકીય માહોલમાં મુસ્લિમ વોટરોનો ઝુકાવ અખિલેશ યાદવ તરફ હોવાનું માનવામાં આવે છે. તેવામાં વિપક્ષ તેને રાજકીય હથિયાર તરીકે સમાજવાદી પાર્ટી વિરુદ્ધ અજમાવવાનું શરૂ કરી દીધું છે.

