જામનગરમાં ગયા મહિનાના અંતમાં મોરકંડા રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં રહેતા અને ઝિમ્બાબ્વેથી પરત ફરેલા 72 વર્ષના વૃદ્ધનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યાં બાદ તેના પત્ની અને સાળાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં રાજ્યના પ્રથમ ઓમિક્રોન દર્દી સ્વસ્થ થયા હતા તેમજ તેમના પત્ની અને સાળાની તબિયત સ્વસ્થ થતા તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
જામનગરના મોરકંડામાં આવેલી સનસીટી સોસાયટીમાં ઝિમ્બાબ્વેથી આવેલા 72 વર્ષના વૃદ્ધનો કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. ઓમિક્રોનના રાજ્યના પહેલા દર્દીને સારવાર માટે જામનગરની ડેન્ટલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા સ્પેશયલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આરોગ્ય વિભાગે તેના સંપર્કમાં આવેલા તમામ લોકોનું ચેકીંગ હાથ ધર્યું હતું.

જેમાં ઓમિક્રોન ગ્રસ્ત દર્દી અને તેના સાળાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં બાદ તેના સેમ્પલોને જિનોમ સિક્વેન્સીંગ માટે ગાંધીનગરની વાયરોલોજી લેબમાં મોકલવામાં આવ્યાં હતાં. જ્યાં બંનેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. 17 દિવસ બાદ રાજ્યના પ્રથમ ઓમિક્રોન દર્દીનું સ્વાસ્થ્ય સારૂ થઈ જતા તેને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કર્યાં હતાં. ત્યારબાદ આજે તેમના પત્ની અને સાળાનું સ્વાસ્થ્ય પણ સારૂ થઈ જતા તેને પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

