ગાંધીનગર,ગુરૂવાર
ગૌણ સેવા મંડળનું હેડક્લાર્કનું પેપર લીક થયા બાદ ચેરમેન અસિત વોરા સામે રાજ્યભરમાં ઉગ્ર રોષ ફેલાયો છે ત્યારે રાજ્ય સરકારના ચેરમેન ઉપર ચારે હાથ હોય તેવું જણાઈ રહ્યું છે. ચેરમેન સામે તપાસ થશે કે નહી તે વિશે સરકાર ફોડ પાડતી નથી ત્યાં હવે સરકાર તેમના બચાવમાં આવી રહી છે. અસિત વોરા દૂધે ધોયેલા હોય તેમ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ વખાણ કર્યા હતા અને ક્લીનચીટ આપતાં કહ્યું હતું કે, માત્ર આક્ષેપથી તેમણે ચેરમેનપદેથી હટાવાય નહી. પેપરલીક કેસની તપાસ ચાલી રહી છે અને કસૂરવારોને કડકમાં કડક સજા કરવામાં આવશે. મંડળના ચેરમેન અસિત વોરા ઉપર શંકાની સોય તકાઈ છે અને રાજ્યભરના ઉમેદવારોમાં રોષ ફેલાયો છે ત્યારે રાજ્ય સરકાર અસિત વોરા સામે કોઈ જ તપાસ કરવાના મૂડમાં નથી. રાજ્ય સરકારના ચારે હાથ અસિત વોરા ઉપર છે અને હવે મંત્રી કહે છે કે, માત્ર આક્ષેપો કરવાથી ચેરમેનપદેથી હટાવાય નહી. જીતુ વાઘાણીના નિવેદન બાદ પણ રાજ્યમાં ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. અસિત વોરાને સરકાર બચાવી રહી છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે.
ગૌણ સેવા મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી અને તેનું પેપર સાબરકાંઠાથી ૧૨ લાખમાં લીક થયું હોવાનું બહાર આવ્યું હતું. આમ આદમી પાર્ટીના યુવરાજસિંહે તમામ પુરાવા મીડિયાને આપ્યા હતા. આ કેસમાં ચાર-ચાર દિવસ થયા હોવા છતાં પણ માત્રને માત્ર તપાસનું નાટક ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર સામે મોરચો ખોલ્યો છે અને મંડળના ચેરમેન અસિત વોરા જ પેપરલીક માટે જવાબદાર હોવાનું જણાવ્યું છે. જાે કે, આમ આદમી પાર્ટીના આક્ષેપો પાયાવિહોણા ગણાવી રાજ્ય સરકાર અસિત વોરાના બચાવમાં આવી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ કહ્યું કે, માત્ર આક્ષેપો કરવાથી તેમને ચેરમેનપદેથી હટાવાય નહી, તેમણે અસિત વોરાને ક્લીનચીટ પણ આપી દીધી હતી અને કહ્યું કે, તેમના કાર્યકાળમાં સારી રીતે પરીક્ષાઓ લેવાઈ છે, પેપર લીકમાં દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવશે. રાજ્યના લાખો ઉમેદવારો અસિત વોરાથી નારાજ છે ત્યારે જીતુ વાઘાણીએ કઈ રીતે ક્લીનચીટ આપી તે આશ્ચર્ય ઉપજાવે છે. રાજ્ય સરકાર અસિત વોરા સામે કેમ સરેન્ડર થઈ ચૂકી છે તે ઉમેદવારોને સમજાતું નથી.
આમ આદમી પાર્ટીના યુવરાજસિંહે પેપરલીકના તમામ પૂરાવા આપ્યા હોવા છતાં પણ પોલીસની તપાસ બીજે જ રસ્તે થઈ રહી છે. પેપરલીક કરવા પાછળ મંડળની જ કોઈ ભેદી વ્યક્તિ સામેલ છે તેવા આક્ષેપોની પણ તપાસ કરાતી નથી. અસિત વોરા ભાજપ સાથે સંકળાયેલા છે અને સ્વાભાવિક છે કે રાજ્યની ભાજપની સરકાર તેમણે હટાવશે નહી પણ અહીંયા તો ઘરના જ ભુવા અને ઘરના ડાકલા જેવો ઘાટ ઘડાયો છે. સરકારના મંત્રીએ જે રીતે અસિત વોરાને ક્લીનચીટ આપી વખાણ કર્યા છે તેણે લઈ ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. જીતુ વાઘાણી કઈ રીતે ક્લીનચીટ આપી શકે તે મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. અસિત વોરા સામે કેમ તપાસ કમિટી નિમવામાં આવતી નથી અને કેમ અસિત વોરા સામે ખાતાકીય તપાસ કરવામાં આવતી નથી તેવા વેધક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. પેપરલીક કાંડમાં અસિત વોરા જ શંકાના દાયરામાં છે અને મોટા વહીવટ કર્યા હોવાની પણ શંકાઓ ઉપજી રહી છે ત્યારે આ કેસમાં રાજ્ય સરકાર અસિત વોરાને બચાવી રહી છે અને પોલીસ પણ તપાસના નાટક કરી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
પેપરલીક કાંડમાં 24ની ધરપકડ
હિંમતનગરના ઊંછામાંથી હેડક્લાર્કનું પેપર લીક થયું હતું અને આ કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ 24 લોકોની ધરપકડ કરી છે. જેમાં ગાંધીનગરના 8 અને સાબરકાંઠાના 16 લોકોનો સમાવેશ થાય છે. સાબરકાંઠા એસપીને ગાંધીનગરનું તેડું આવ્યું હતું. આ કેસમાં સત્ય ક્યારે બહાર આવે છે તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે.

