ગાંધીનગર, બુધવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો. 10 અને ધો. 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટેના આવેદનપત્રો ભરવા માટેની કામગીરી ચાલી રહી છે, જેમાં રેગ્યુલર સહિતના આવેદનપત્રો સ્વીકારાઈ રહ્યા છે, વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગો માટે પરીક્ષા ફોર્મની કોઈ પણ પ્રકારની ફી લેવાની નથી. ધો. 10 અને ધો.12 ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવામાં આવી રહ્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષા માટે પરીક્ષા ફોર્મ ભ૨વાની અંતિમ તારીખ 21 ડિસેમ્બર છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે પરીક્ષાના રેગ્યુલર ફી સાથે આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ 21 ડિસેમ્બર તેમજ ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે રેગ્યુલર ફી સાથે આવેદન પત્ર ભરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર છે. આ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવાની કામગીરી પૂર્ણ કરી લેવા માટે તાકીદ કરવામાં આવી છે. આ સમય મર્યાદા બાદ બોર્ડ નિયમો મુજબ લેઇટ ફી સાથે આવેદન ભરવાના તબક્કા શરૂ હશે તેની તમામ સંબંધિતોને નોંધ લેવા પણ જણાવાયું છે.

