પુંછ, મંગળવાર
જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં 11 ઓક્ટોબરે સેનાના કાફલા પર હુમલો કરનારા વિદેશી આતંકીને સેનાએ મોતને ઘાટ ઉતાર્યો છે. 11 ઓક્ટોબરના હુમલામાં ભારતીય સેનાના 5 જવાનોની વીરગતિ થઈ હતી. હવે આ હુમલામાં સામેલ આતંકી અબુ જરારને મંગળવારે સેનાએ એક ઓપરેશનમાં ઠાર કર્યો છે. અબુ જરાર પાકિસ્તાની હતો અને તેની પાસેથી ઘણો સામાન જપ્ત કરાયો છે. 11 ઓક્ટોબરના હુમલામાં એક જેસીઓ સહીત પાંચ જવાનોની વીરગતિ થઈ હતી.
સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં સેનાના જૂનિયર કમિશન્ડ ઓફિસર અને ચાર જવાનો ગંભીરપણે ઘાયલ થયા હતા. તેમને બાદમાં હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આ પાંચેય જવાનોની વીરગતિ થઈ હતી. આ હુમલામાં સંડોવાયેલા આતંકીઓની શોધખોળ માટે નીકળેલા જવાનો પર બે દિવસ બાદ હુમલો થયો હતો. તેમાં એક જેસીઓ સહીત 2 જવાનોની વીરગતિ થઈ હતી. મહત્વપૂર્ણ છે કે શ્રીનગરમાં સોમવારે જમ્મુ-કાશ્મીર પોલીસની બસ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ત્રણ જવાનોની વીરગતિ થઈ છે. આ હુમલાના 24 કલાકમાં ભારતીય સેનાએ કાર્યવાહી કરી છે. આજે પુંછના સુરનકોટમાં થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. ઈન્ડિયન આર્મીની વ્હાઈટ નાઈટ કોર્પ્સે આની જાણકારી આપી છે. તેમણે કહ્યુ છે કે પુંછના સુરનકોટ સેક્ટરના બેહરામગલામાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે એક ઓપરેશનમાં એક આતંકવાદીને ઠાર કર્યો છે. આતંકી પાસેથી એક એકે-47 રાઈફલ અને ચાર મેગઝીન જપ્ત કરવામાં આવ્યા છે.
સોમવારે સાંજે પંથા ચોકના જેવાનમાં 25 પોલીસકર્મીઓને લઈને જઈ રહેલી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. હુમલામાં જમ્મુ-કાશ્મીર સશસ્ત્ર પોલીસની 9મી બટાલિયનના ઓછામાં ઓછા 14 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તેમને અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાથી ત્રણ જવાનોની વીરગતિ થઈ હતી.

