હળવદથી ઉત્તર પ્રદેશના ગોરખપુર મોકલવામાં આવેલ 12 ટન દાડમનો જથ્થો રસ્તામાંથી જ ગાયબ થઈ જતા વેપારીઓમાં ચકચાર મચી છે. આશરે રૂ.6 લાખની કિંમતનો દાડમનો જથ્થો ઓનલાઈન ટ્રાન્સપોર્ટ એપ મારફતે ટ્રકમાં મોકલવામાં આવ્યો હતો. જોકે, માલ ગોરખપુર પહોંચાડવાના બદલે ટ્રક માલિક અને ડ્રાઈવરે મોબાઈલ ફોન બંધ કરી દીધો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
કચ્છના ભુજ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા બલ્કારસિંગ ગુરૂમુખસિંગ ભટ્ટીએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ UP-78-JN-5955 નંબરની ટ્રક મારફતે દાડમનો જથ્થો ગોરખપુરની રઇન ફ્રુટ કંપનીમાં મોકલાયો હતો. પરંતુ માલ નિયત સ્થળે ન પહોંચતા અને સંપર્ક કરતાં ફોન બંધ મળતા ટ્રાન્સપોર્ટર પવન કુમાર વિનોદકુમાર બાજપાઈ તથા ડ્રાઈવર મુકેશભાઈ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

