મોરબી-રાજકોટ હાઇવે પર બોલેરો કેમ્પરમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટંકારા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, પોલીસને મળેલી બાતમીના આધારે હાઇવે પર વાહન રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બોલેરો કેમ્પરની શીટ નીચે, ઠાઠામાં અને ટોપના ભાગે બનાવેલા ચોરખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની 1248 પ્લાસ્ટિકની દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, GJ-03-BV-9752 નંબરની બોલેરો કેમ્પર, બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 6,33,340નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કેસમાં પોલીસે દશરથભાઈ હરકનભાઈ પ્રભુભાઈ રબારી (ઉ.વ. 30), રહે. રામપુરા છોટા, તા. ધાનેરા, જી. બનાસકાંઠા અને બાબુરામ જવાનાજી ભાડકા રબારી (ઉ.વ. 45), રહે. જારડા ગામ, તા. રાણીવાડા, જી. ઝાલોર, રાજસ્થાનની ધરપકડ કરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન મહેન્દ્રભાઈ બાબુરામ રબારી, રહે. પાલ કુડા, તા. રાણીવાડા, જી. ઝાલોર, રાજસ્થાનનું નામ સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

