ભાવનગર જિલ્લામાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાના કારણે 4 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે વધુ એક વ્યક્તિના મોતને હાલ શંકાસ્પદ માનવામાં આવી રહ્યું છે. આ સાથે કુલ મૃત્યુઆંક 5 થયો છે. બીજી તરફ, 5 ગામના કુલ 22 લોકોની તબિયત લથડતાં સમગ્ર મામલો ગંભીર બન્યો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રીએ 18 ઓગસ્ટની મધરાતે અમદાવાદ એરપોર્ટ પર બેઠક યોજી હતી. બેઠક બાદ સમગ્ર મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપવામાં આવી હતી. ત્યારબાદ ભાવનગરના SP મયુરસિંહ ચાવડા તાત્કાલિક ભાવનગર પહોંચ્યા હતા.
ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલે જણાવ્યું હતું કે બીમાર પડેલા 22 લોકોમાંથી 18 હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમાંથી 2 દર્દીઓની સ્થિતિ ગંભીર છે. 4 દર્દીઓને ICUમાં રાખવામાં આવ્યા છે, જ્યારે 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અન્ય 10 દર્દીઓની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જણાવાયું છે.
કલેક્ટરે લોકોને ખાસ અપીલ કરી છે કે છેલ્લા 2થી 4 દિવસ દરમિયાન જો કોઈ વ્યક્તિએ Royal Stag બ્રાન્ડનો દારૂ પીધો હોય, તો કોઈ લક્ષણો ન જણાતા હોવા છતાં પણ તાત્કાલિક હોસ્પિટલમાં તપાસ અને જરૂરી સારવાર કરાવે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ ભાવનગર લાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 15 પેટી જપ્ત કરવામાં આવી છે, જ્યારે બાકીની 13 પેટી શોધવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
આ સમગ્ર કેસની તપાસ માટે પોલીસે 15 અલગ-અલગ ટીમો બનાવી છે. ગત રાતથી અત્યાર સુધીમાં બુટલેગર અને સપ્લાયર સહિત કુલ 13 શખ્સોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. તપાસમાં નકલી દારૂ બનાવવામાં પરપ્રાંતીય લોકોની સંડોવણી હોવાની માહિતી મળતાં તેમને ઝડપી પાડવા માટે પણ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જોકે, કુલ 5 મૃત્યુમાંથી 2 કેસ હજુ શંકાસ્પદ છે. મૃતકોમાંથી એક વ્યક્તિની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે, જ્યારે અન્ય મૃતકના પરિવારજનોએ નકલી દારૂના સેવનના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. આ બંને કેસમાં તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

