સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર આચરનારાઓ સામે મોરબીની સ્પેશિયલ એસીબી (ACB) કોર્ટે લાલ આંખ કરી છે. વર્ષ 2009માં માળિયા તાલુકાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે નિવૃત્ત મહિલા નર્સ પાસે બાકી લેણાં અને પીએફ (PF)ના બિલ મંજૂર કરવા પેટે રૂ. 15,000ની લાંચ માગનારા તત્કાલીન હેડ ક્લાર્ક પ્રવીણકુમાર હાજાભાઈ વાજાને કોર્ટે દોષિત ઠેરવી 5 વર્ષની કેદ અને રૂ. 10,000ના દંડની સજા ફટકારી છે.
મળતી માહિતી મુજબ, વર્ષ 2009માં માળિયા CHC ખાતેથી એક મહિલા નર્સ વયનિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદના હક્ક-હિસ્સા, પીએફ અને અન્ય બાકી લેણાંના બિલ મંજૂર કરવાની કામગીરી તત્કાલીન હેડ ક્લાર્ક પ્રવીણકુમાર વાજા હસ્તક હતી. આ કામગીરી પૂર્ણ કરવા માટે પ્રવીણકુમારે મહિલા નર્સ પાસે રૂ. 15,000ની ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી. મહિલા નર્સે પ્રાથમિક તબક્કે રૂ. 10,000 ચૂકવી દીધા હતા, પરંતુ બાકીના રૂ. 5000 આપવા ન માંગતા હોવાથી તેમણે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB)નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ACBની ટીમે ગોઠવેલા છટકામાં હેડ ક્લાર્ક પ્રવીણકુમાર રૂ. 5000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ અંગે એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 7,12,13(1)ઘ અને 12(2) હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.
8 સાક્ષી અને 42 મૌખિક-લેખિત પુરાવા ધ્યાને લેવાયા
આ કેસ મોરબીની સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલવા ઉપર આવતા, સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ (APPO) એન. ડી. કારિયાએ ધારદાર રજૂઆતો કરી હતી. કેસની ન્યાયિક પ્રક્રિયા દરમિયાન સરકારી વકીલ દ્વારા 8 મહત્વના સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી તેમજ 42 જેટલા મૌખિક અને લેખિત પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
17 વર્ષે આવ્યો ન્યાયિક ચુકાદો
તમામ સાક્ષીઓની જુબાની અને પુરાવાઓને ધ્યાને રાખીને મોરબીના સ્પેશિયલ એસીબી કોર્ટના સેકન્ડ એડિશનલ સેશન્સ જજ કમલ રસિકલાલ પંડ્યાએ આજે આશરે 17 વર્ષ જૂના કેસમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપી હેડ ક્લાર્ક પ્રવીણકુમાર વાજાને દોષિત ઠેરવી 5 વર્ષની કેદ અને રૂ. 10,000ના દંડની સજા સંભળાવી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

