વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન હતો, ત્યારે અરણીટીંબા ગામના બોર્ડ નજીક ખાનગી બાતમી મળી હતી કે, એક છકડો રીક્ષા ચાલક નીરણ (સુકા ઘાસ)ની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વાંકાનેરથી મીતાણા તરફ લઈ જવાનો છે. બાતમીના આધારે પોલીસે અરણીટીંબા ગામના બોર્ડ પાસે રોડ પર વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબનો છકડો રીક્ષા આવતા પોલીસે રસ્તો અવરોધી તેને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન નીરણના જથ્થા નીચે છુપાવેલો અલગ-અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 287 બોટલ કિંમત રૂ. 2,13,718, છકડો રીક્ષા કિંમત રૂ. 50,000 અને એક સેમસંગ મોબાઇલ ફોન કિંમત રૂ. 10,000 સહિત કુલ રૂ. 2,73,718નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રેઇડ દરમિયાન પોલીસે છકડો રીક્ષાના ચાલક રાજપાલસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા (ઉ.વ. 20), હાલ રહે. પાળીયાદ દરબારગઢ, લિન્ડીયાના કાટા પાસે, તા.-જી. બોટાદ (મૂળ રહે. વીરપુર ગામ, તા. ધોળકા, જી. અમદાવાદ)ની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની પૂછપરછમાં દારૂનો જથ્થો પૂરો પાડનાર અજયભાઈ ખાચર (રહે. તરઘરા, તા.-જી. બોટાદ) તેમજ દારૂ મંગાવનાર અજયસિંહ હામુભા જાડેજા (રહે. વિરવાવ)ના નામ ખુલ્યા હતા. બંને આરોપીઓની શોધખોળ હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ મામલે પકડાયેલા આરોપી તેમજ તપાસ દરમિયાન સંડોવણી ખુલતા અન્ય તમામ ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

