મોરબી તાલુકાના અલગ અલગ બે ગામોની સીમમાં ખેત મજૂર પરિવારોને નિશાન બનાવી મહિલાઓ પર દુષ્કર્મ આચરવાના બે અલગ-અલગ જઘન્ય ગુનાઓનો મોરબી ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, તા. 4 જૂનના રોજ મોરબી તાલુકાના એક ગામની સીમમાં આવેલી એક વાડીમાં રાત્રિના સમયે પાંચ શખ્સો ચોરી અને લૂંટના ઇરાદે ઘૂસ્યા હતા. ત્યાં ખેત મજૂરો જાગતા હોવાથી આરોપીઓએ પોતે એક યુવતીને શોધવા આવ્યા હોવાનું કહી મજૂર પરિવારને ભ્રમિત કર્યો હતો. ત્યારબાદ મહિલાના પતિને છરી બતાવી ધમકાવી બંદી બનાવ્યો હતો અને 22 વર્ષીય મહિલાને નીલગિરીના ઝાડ પાસે લઈ જઈ એક આરોપીએ છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હતો.
આ ઘટનાના બીજા જ દિવસે એટલે કે તા. 5 જૂનના રોજ વધુ ગામની સીમમાં પણ સમાન પ્રકારની ઘટના બની હતી. રાત્રિના સમયે પાંચ શખ્સો હથિયારો સાથે એક વાડીમાં પહોંચ્યા હતા અને ત્યાં સુતા ખેત મજૂરોને ધમકાવી સોના-ચાંદીના દાગીના માંગ્યા હતા. દાગીના ન હોવાનું જાણવા મળતા પાંચ પૈકી ત્રણ આરોપીઓએ 23 વર્ષીય મહિલાના પતિની હાજરીમાં જ તેના પર વારા ફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે તા. 8 જૂને મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
બંને ગુનાઓમાં આરોપીઓની મોડસ ઓપરેન્ડી એકસરખી હોવાથી પોલીસને એક જ ગેંગ સંડોવાયેલી હોવાની શંકા હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક તથા મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી, પેરોલ-ફર્લો સ્ક્વોડ અને મોરબી તાલુકા પોલીસની સંયુક્ત ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ટેક્નિકલ સર્વેલન્સ, માનવ સૂત્રો, સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીઓના આધારે પોલીસને જાણ મળી હતી કે આ ગુનાઓ હળવદ તાલુકાના માથક અને કડીયાણા ગામ સાથે સંકળાયેલી દેવીપૂજક ગેંગે આચર્યા છે. આ માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી ત્રણ આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડ્યા હતા.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ બંને ગુનાઓમાં સંડોવણી કબૂલી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ચાર મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ સહિત કુલ રૂ. 50 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ રાત્રિના સમયે મોટરસાયકલ પર ફરી ખેતરો અને અવાવરુ વિસ્તારોમાં રહેતા મજૂર પરિવારોને નિશાન બનાવતા હતા. છરી બતાવી લૂંટફાટ કરવાનો પ્રયાસ કરવો અને મહિલાઓ હાજર હોય તો તેમના પર દુષ્કર્મ આચરવાની તેમની રીત હતી.
આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે, જેને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે.
ઘટનાને પગલે મોરબી જિલ્લા પોલીસે ખેડૂતો અને ખેત મજૂરોને અપીલ કરી છે કે ખેત વિસ્તારોમાં રહેતા મજૂરો માટે મજબૂત અને સુરક્ષિત રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવે, સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેમજ રાત્રિના સમયે મહિલાઓના રોકાણ માટે ગામના વસવાટ વિસ્તારમાં સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે, જેથી આવી ગંભીર ઘટનાઓને અટકાવી શકાય.
આ સમગ્ર કામગીરીમાં એલસીબી, પેરોલ-ફર્લો સ્ક્વોડ અને મોરબી તાલુકા પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

