વાંકાનેરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા એક શખ્સને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક વિસ્તારમાં કોઈપણ સુરક્ષા વ્યવસ્થા વિના ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોવાનું બહાર આવતા પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી હતી.
માહિતી મુજબ, વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ભમરિયા કુવા પાસે આવેલી ‘હુસેની ગેસ’ નામની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યાં દુકાનદાર અલીભાઈ ફકરૂદીનભાઈ મીઠાઈવાલા (રહે. વોરાવાડ, નવાપરા, મોરબી) પોતાની દુકાનમાં ગેરકાયદેસર રીતે એલપિજી ગેસના બાટલાઓમાંથી નળી અને રેગ્યુલેટરની મદદથી અન્ય બાટલાઓમાં ગેસ રિફિલિંગ કરતા ઝડપાયા હતા.
પોલીસે સ્થળ પરથી લાલ કલરના ત્રણ ગેસ બાટલા, એક ઇલેક્ટ્રિક ડિજિટલ વજન કાંટો તેમજ ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી નળી અને રેગ્યુલેટર સહિત કુલ રૂ. 10,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બનાવ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. અધિનિયમની કલમ 287 તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની કલમ 3 અને 7 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

