દેશભરમાં ગૌરક્ષા માટે ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અપાવવાની માંગ સાથે એક વ્યાપક અભિયાન શરૂ થયું છે. આ અભિયાનને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટે સહી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત મોરબી શહેરની નીલકંઠ વિદ્યાલય ખાતે હરિદ્વારથી પધારેલા સંતોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં હરિદ્વારના ભાગીરથી આશ્રમના સંતોએ ગૌરક્ષા અભિયાન વિશે વિગતવાર માહિતી આપી અને ગૌ સંવર્ધનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
સંતોએ જણાવ્યું હતું કે, જો ગૌમાતાના સંરક્ષણ માટે લોકો હવે જાગૃત નહીં થાય તો ગાયો વધુ પ્રમાણમાં કતલખાનામાં જશે, જેના કારણે તેમનું અસ્તિત્વ જોખમાઈ શકે છે. તેથી ગાયોના સંવર્ધન અને સુરક્ષા માટે આ અભિયાન અત્યંત આવશ્યક હોવાનું તેમણે જણાવ્યું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ અભિયાન કોઈ રાજકીય કે અન્ય સંસ્થાના બેનર હેઠળ નહીં, પરંતુ સ્વયંસ્ફૂર્ત રીતે ગૌ સંવર્ધનના હેતુથી ચલાવવામાં આવી રહ્યું છે. લોકોને મોટી સંખ્યામાં સહી ઝુંબેશમાં જોડાવા માટે પણ અપીલ કરવામાં આવી છે. એકત્રિત કરેલી સહીઓ પ્રાંત અધિકારીને સુપરત કરવામાં આવશે. જો આગામી ત્રણ મહિનામાં આ મુદ્દે કોઈ નિર્ણય નહીં લેવાય, તો વધુ સહીઓ સાથે કલેક્ટર, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે. ગૌરક્ષા અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે આયોજકોએ વ્યાપક હાકલ કરી છે.

