આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ જર્જરિત મિલકતોના માલિકો અને કબજેદારો માટે સીટી ઈજનેર દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે.
આ જાહેર સૂચના મુજબ વાવાઝોડા કે અતિભારે વરસાદના સમયે જર્જરિત મકાનો ધરાશાયી થવાની ભીતિ રહે છે. આથી, જાન-માલનું નુકસાન અટકાવવા માટે આવી મિલકતોના માલિકોએ પોતાની મિલકત સુરક્ષિત રીતે ઉતારી લેવી અથવા મરામત કરાવી લેવી.
જુના પુરાણા મકાન ધરાશાયી થવાના સંજોગોને ધ્યાનમાં રાખીને, રહેવાસીઓએ પોતાની કિંમતી ઘરવખરી અને માલ-સામાન વહેલી તકે સુરક્ષિત સ્થળે ખસેડી લેવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મિલકતોના કેસ કોર્ટમાં પડતર હોય, તેવી મિલકતોના કિસ્સામાં પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ અને કોર્ટના આદેશોને આધીન રહીને અમલવારી કરવાની રહેશે. જો કોઈ મિલકતધારક આ સૂચનાનું પાલન કરવામાં કસૂરવાર ઠરશે, તો ભવિષ્યમાં સર્જાનારી કોઈપણ દુર્ઘટના કે જાન-હાનિ માટે મિલકતધારક વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે. અકસ્માત નિવારવા અને જાહેર જનતાની સુરક્ષા કાજે મહાનગરપાલિકના સિટી ઈજનેર દ્વારા આ નોટિસ જારી કરવામાં આવી છે.

