કચ્છથી માળીયા થઈ મોરબી તરફ પશુઓને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જવામાં આવતા હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબીના વિવિધ હિન્દુ સંગઠનો અને ગૌરક્ષકોની ટીમે મોરબી તાલુકા પોલીસના સહયોગથી સફળ ઓપરેશન પાર પાડી ૩ પશુઓને ઉગારી લીધા છે.
મળતી માહિતી મુજબ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ (દિલ્હી) ની ટીમને બાતમી મળી હતી કે GJ-03-BW-50 નંબરની એક બોલેરો પીક અપમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલ કરવાના ઈરાદે કચ્છ તરફથી મોરબી લાવવામાં આવી રહ્યા છે.આ બાતમીના આધારે ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી. માળીયા પાસેથી પસાર થતી પીપળીયા ચાર રસ્તાથી નારણકા ગામ નજીક તેને રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી ૩ નાના-મોટા પાડા મળી આવ્યા હતા, જેમને અત્યંત દયાજનક હાલતમાં બાંધેલા હતા.
મોરબી તાલુકા પોલીસના સહયોગથી વાહન ચાલકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ પશુઓને કચ્છથી ભરીને મોરબી ઉતારવાના હતા. ચાલક પાસે પશુઓના પરિવહન માટેની કોઈ પણ પ્રકારની પરમિટ મળી ન હતી. પોલીસે હાલમાં આરોપીની અટકાયત કરી, વાહન કબજે લીધું છે અને પશુઓને સલામત સ્થળે ખસેડી કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં મોરબીના વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને ગૌરક્ષકો જોડાયા હતા, જેમાં કમલેશભાઈ બોરીચા (અધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ, મોરબી શહેર),ચેતનભાઇ પાટડિયા (ગૌરક્ષક પ્રમુખ, મોરબી) ,વૈભવભાઈ પટેલ અને પાર્થ ભાઈ નેસડિયા (ગૌરક્ષક પ્રમુખ) યસ ભાઈ વાઘેલા, જેકી ભાઈ આહીર, મનીષભાઈ કણજારિયા,જીતુભાઈ સેતા (ઉપપ્રમુખ, વિહિપ, મોરબી શહેર) આ ઉપરાંત રાજકોટ, કચ્છ, ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા અને હળવદના ગૌરક્ષકોનો પણ આ ઓપરેશનમાં વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.

