દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડની થઈ રહેલી માંગણી વચ્ચે ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલ તરફ રાજ્ય સરકાર મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે. ઉત્તરાખંડના મોડેલને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ આ બિલને રાજ્ય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિગત કાયદાઓમાં પારદર્શિતા લાવવો અને દરેક નાગરિક માટે સમાનતા સુનિશ્ચિત કરવો છે.
નવા નિયમો મુજબ રાજ્યમાં થતા તમામ લગ્નોની નોંધણી કરાવવી ફરજિયાત બનશે. નોંધણી ન કરાવ્યા છતાં લગ્ન માન્ય રહેશે, પરંતુ નિયમોનું પાલન ન કરનારને દંડ ભરવો પડી શકે છે. સાથે જ, કાયદો અમલમાં આવે તે પહેલાં થયેલા લગ્નોને પણ નોંધણી માટે ખાસ પ્રક્રિયા હેઠળ લાવવામાં આવશે.
લિવ-ઈન રિલેશનશિપ માટે પણ નવા નિયમો ઘડવામાં આવ્યા છે. આવા સંબંધમાં રહેતા દંપતી માટે રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી આપે અથવા નોંધણી ટાળે, તો તેના માટે દંડ તથા જેલની સજા પણ નક્કી કરવામાં આવી છે. આ સંબંધમાંથી જન્મેલા બાળકોને કાયદેસર સંતાન તરીકે માન્યતા આપવામાં આવશે અને તમામ હકો મળશે.ગુજરાતના રહેવાસીઓ રાજ્યની બહાર લિવ-ઈન સંબંધમાં રહેતા હોય તો પણ તેઓ રજિસ્ટ્રારને નિવેદન આપી શકશે. જો કે, કેટલીક પરંપરાગત પ્રથાઓને ધ્યાનમાં રાખીને કેટલાક સમુદાયો માટે આ નિયમોમાં છૂટછાટ આપવામાં આવશે
છૂટાછેડા ને લગતી બાબતમાં પણ સુધારા કરવામાં આવ્યો છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે, જોકે લગ્નના એક વર્ષની અંદર અરજી કરી શકાશે નહીં. બાળકોની કસ્ટડી અને ભરણપોષણ મુદ્દે પણ સંવેદનશીલ અને સંતુલિત જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મિલકત અને વારસાની બાબતમાં મોટો ફેરફાર એ છે કે હવે ધર્મ કે જાતિ આધારિત ભેદભાવ વગર તમામ માટે એકસરખા નિયમો લાગુ પડશે. વસિયત અને મિલકત વહેંચણીની પ્રક્રિયા સરળ બનાવીને વારસદારો વચ્ચેના વિવાદોમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારનું માનવું છે કે આ નિર્ણય કાનૂની એકરૂપતા અને સામાજિક સમાનતા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

