હળવદ તાલુકાના સરંભડા ગામે ફરી એક વખત ખેડૂતનો સોના જેવો તૈયાર થયેલો ઘઉંનો પાક આગની ભેટ ચઢ્યો છે. પીજીવીસીએલનો વીજ વાયર તૂટી પડતાં લાગી આવેલી આગમાં આશરે 50 વીઘા જેટલો પાક બળી ખાક થઈ ગયો છે. આ ઘટનામાં સરંભડા ગામના ખેડૂત અનિલદાન ગઢવીને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.
ખેડૂતો માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા એક સપ્તાહમાં આવી આગની આ ત્રીજી ઘટના બની છે. અગાઉ નવાં વેગડવાવ ગામે આશરે 25 વીઘા અને રાણેકપર ગામે લગભગ 30 વીઘા પાક વીજ વાયર તૂટી પડતાં લાગેલી આગમાં બળી ગયો હતો. ખેતરોમાં પસાર થતા જર્જરિત વીજ વાયર અને બેદરકારીપૂર્ણ જાળવણીને કારણે ખેડૂતોનો વર્ષભરનો પરસેવો પળોમાં ખાખ થઈ રહ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે જો વીજ વિભાગ સમયસર વાયરનું મરામત અને યોગ્ય જાળવણી કરે તો આવી ઘટનાઓ ટાળી શકાય. વારંવાર પાક સળગી જતાં ખેડૂતો આર્થિક રીતે તૂટી રહ્યા છે અને જવાબદારી કોણ લેશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. સ્થાનિક ખેડૂતોએ નુકસાનનું વળતર આપવા તેમજ વીજ લાઈનોની તાત્કાલિક મરામત કરવાની માંગ ઉઠાવી છે.

