HomeGujaratહળવદના ઘનશ્યામનગર ગામે ‘જલ અર્પણ’, ‘સેવા સેતુ’ અને આરોગ્ય કેમ્પ સાથે ત્રિવિધ...

હળવદના ઘનશ્યામનગર ગામે ‘જલ અર્પણ’, ‘સેવા સેતુ’ અને આરોગ્ય કેમ્પ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

રાજ્યના છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ અને વહીવટી પારદર્શિતા પહોંચાડવાના સરકારના સંકલ્પને સાકારે કરવાના ભાગરૂપે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના ઘનશ્યામનગર ગામે ‘જલ અર્પણ દિવસ’, ‘સેવા સેતુ’ અને ‘આરોગ્ય કેમ્પ’ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને શુદ્ધ પેયજળની સુવિધા સુપ્રત કરવાની સાથે સાથે વિવિધ સરકારી યોજનાઓના લાભો એક જ સ્થળે ઉપલબ્ધ કરાવી વહીવટી પ્રક્રિયાને વધુ લોકભોગ્ય બનાવવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જલ શક્તિ અભિયાન અંતર્ગત નવનિર્મિત પાણીની યોજનાની વિધિવત જલ અર્પણ વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઘનશ્યામનગર પાણી સમિતિને ‘જલ કળશ’ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ પાણીના કરકસરભર્યા ઉપયોગ અને જળ સંગ્રહ માટે સામૂહિક ‘જલ સંકલ્પ’ લઈ જળ સુરક્ષા માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી. જળ અર્પણની સાથે જ ગ્રામજનો માટે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ પ્રમાણપત્રો અને યોજનાકીય લાભો સ્થળ પર જ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા તપાસણી કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા ગ્રામજનોના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરી જરૂરી દવાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ અવસરે મોરબી જિલ્લા કાર્યપાલક ઈજનેર અને વાસ્મોના યુનિટ મેનેજર એમ. એસ. દામા, તાલુકા વિકાસ અધિકારી પાર્થભાઈ ગઢવી, નાયબ મામલતદાર ધીરૂભાઈ સોનાગ્રા, અગ્રણી સર્વ શ્રી વાસુદેવભાઇ સિણોજીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રમેશભાઈ ઝીંઝુવાડિયા, રવજીભાઈ પરમાર તેમજ મેડિકલ ઓફિસર પરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW