Thursday, February 19, 2026
HomeGujaratટંકારાના કલ્યાણપર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરીમાં ગયેલ રૂ. 25.21...

ટંકારાના કલ્યાણપર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરીમાં ગયેલ રૂ. 25.21 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

ટંકારાના કલ્યાણપર ગામમાં દિવસે થયેલી ચોરીનો ગુનો પોલીસે ઝડપથી ઉકેલી કાઢ્યો છે. આ મામલે પોલીસે ગામના જ એક શખ્સને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી મોટી કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, ગત તા. 14મીના રોજ સવારે અંદાજે 9:30 થી બપોરે 1:30 વાગ્યા દરમિયાન જયંતીલાલ ઉજરીયાનું મકાન બંધ હતું. આ દરમિયાન તસ્કરે બંધ મકાનમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા સહિત પ્રાથમિક રીતે રૂ. 4.45 લાખની ચોરી અંજામ આપી હતી. બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસે શંકાના આધારે કલ્યાણપરના સોહિલ સતારભાઈ દલને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીની સંડોવણી સામે આવી અને તેની પાસેથી દાગીના, રોકડ તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓ મળી કુલ રૂ. 25.21 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.

શરૂઆતમાં ફરિયાદમાં માત્ર રૂ. 4.45 લાખની ચોરી દર્શાવવામાં આવી હતી, પરંતુ બાદમાં ઘરનું વિગતવાર નિરીક્ષણ કરતા કબાટ અને અન્ય સ્થળે રાખેલી સોના-ચાંદીની ગીનીઓ અને ચોરસા પણ ગાયબ હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ ફરિયાદીએ વિશેષ નિવેદન આપીને આશરે રૂ. 22 લાખ જેટલી વધુ ચોરી થયાની જાણ કરી હતી.

ડીવાયએસપી સમિર સારડાએ જણાવ્યું હતું કે આરોપીએ ચોરીનો મુદ્દામાલ ગામ નજીક આવેલા કબ્રસ્તાન વિસ્તારમાં જમીનમાં દાટી દીધો હતો. પોલીસે આરોપીને સાથે રાખી સ્થળ પરથી તમામ વસ્તુઓ બહાર કાઢી જપ્ત કરી હતી. મળેલ રોકડ તથા દાગીનાની કુલ બજાર કિંમત રૂ. 25,21,855 ગણવામાં આવી છે. હજુ કેટલાક મુદ્દામાલની શોધ બાકી હોવાથી આરોપીના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને આરોપીએ અગાઉ અન્ય ગુનાઓ કર્યા છે કે નહીં તે અંગે વધુ તપાસ ચાલુ છે.

આ સમગ્ર કામગીરી એલસીબીના પીઆઈ એમ.પી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.ડી. ભટ્ટ, જે.પી. કણસાગરા સહિતની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page