મોરબી સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી સુજલ સબીરભાઈ ચામડિયા (ઉ.વ.20), રહે. લાતી પ્લોટ નં. 14, ખ્વાજા પેલેસ, પંચાસર રોડ નાકા, મોરબી તેમજ ચિરાગ (રહે. અમદાવાદ) અને મનોજ વાલજીભાઈ મકવાણા (રહે. રંગપર ગામ, તા. જી. બોટાદ) સામે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી સુજલે રૂ.20,000 કમિશન લઇ પોતાનું બેન્ક એકાઉન્ટ આરોપી ચિરાગ અને મનોજને ભાડે આપ્યું હતું. ત્યારબાદ આરોપી ચિરાગ અને મનોજે તેમના સહયોગીઓ સાથે મળી પૂર્વયોજિત ગુનાહિત સાજિશ રચી અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ અને છેતરપિંડી દ્વારા મેળવેલી રકમ સગેવગે કરી આર્થિક લાભ મેળવ્યો હતો. આ પ્રક્રિયામાં આરોપી મનોજને એજન્ટ બનાવી તેના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી મેળવેલી કુલ રૂ. 14,55,349ની રકમ જમા કરાવવામાં આવી હતી, જેમાંથી IMPS/RTGS મારફતે રૂ.7,60,034 ઉપાડી નાણા સગેવગે કરાયા હોવાની નોંધ લેવામાં આવી છે. આ અંગે પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

