જીવલેણ અકસ્માત માટે બદનામ મોરબી–વાંકાનેર હાઈવે પર અકસ્માતથી મોત થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો હોય તેમ વધુ એક વખત સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતે સાબિત કર્યું છે નેશનલ હાઈવે પાર કરી રહેલા ૫૪ વર્ષીય આધેડને ટ્રક ડમ્પર ના ચાલકે ઠોકર મારી હતી ઘટનામાં ગંભીર રીતે આધેડ ઈજાગ્રસ્ત થતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈ મોરબી તાલુકા પોલીસે મૃતકના ભત્રીજાની ફરિયાદના આધારે અજાણ્યા ટ્રક ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લા ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામના વતની સી મહેશભાઈ દેશુરભાઈ બરબચિયા નામના 54 વર્ષીય આધેડ મોરબી વાંકાનેર હાઈવે પર આવેલી રીઝલ્ટાહોટલ પાસે જમવા જવા માટે નેશનલ હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન પસાર થઈ રહેલા અજાણ્યા ટ્રક ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકના ટાયર તેમના પેટ પરથી ફરી વળતાં તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.
મૃતક મહેશભાઈ બરબચિયા વ્યવસાયે ટ્રક ડ્રાઈવર હતા. તેઓ મોરબીથી નવસારી તરફ માલ ભરીને જવાના હતા, પરંતુ ટ્રકમાં માલ ભરવામાં વિલંબ થતાં તેઓ રોડ પાર કરી ભોજન માટે જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી.
આ મામલે મૃતકના ભત્રીજા બ્રિજેશભાઈ હેમંતભાઈ બરબચિયા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અકસ્માત સર્જ્યા બાદ ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર આરોપીને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

