હળવદ તાલુકાના ચૂંપણી ગામની સીમ વિસ્તારમાં આવેલા દેવીપુજક વાસમાં રહેતા 21 વર્ષીય ઘનશ્યામ ઉર્ફે ઘનોસવાભાઈ વાઘેલાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, તેમની તથા આરોપીઓના કાકા વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખીને દાજીભાઈ જલાભાઈ વાઘેલા, વિક્રમભાઈ જલાભાઈ વાઘેલા અને કિશનભાઈ જલાભાઈ વાઘેલા લાકડાના ધોકા લઈને ફરીયાદીના ઘર પાસે આવ્યા હતા.
આરોપીઓએ “અમારા કાકા સાથે કેમ બોલાચાલી કરી?” તેમ કહી ઘનશ્યામ અને તેમના સાથીઓને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન આરોપી દાજીભાઈએ છરીથી ઘનશ્યામ ના ડાબા ગાલ પર સામાન્ય ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ લાકડાના ધોકાથી ઘનશ્યામ તથા તેમના સાથીઓ પર આડેધડ હુમલો કર્યો હતો.
આ ઘટનામાં ઘનશ્યામના સાથી સંજયભાઈને માથામાં સામાન્ય ઇજા થઈ હતી જ્યારે વિઠ્ઠલભાઈને શરીરે ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. ઉપરાંત આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

