Sunday, January 18, 2026
HomeGujaratપતંગ મહોત્સવ દરમ્યાન વીજ સલામતી માટે પીજીવીસીએલ મોરબીની જનહિત અપીલ

પતંગ મહોત્સવ દરમ્યાન વીજ સલામતી માટે પીજીવીસીએલ મોરબીની જનહિત અપીલ

પીજીવીસીએલ મોરબી દ્વારા પતંગ મહોત્સવ દરમિયાન જનહિતમાં સુરક્ષા અપીલ

પતંગ મહોત્સવને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ મોરબી કચેરી દ્વારા જાહેર જનતાની સલામતી માટે મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. અધિક્ષક ઇજનેર ડી.આર. ધાડિયાએ જણાવ્યું છે કે, ખુલ્લા વીજ તારને સ્પર્શ કરવો નહીં તેમજ વીજ તાર પર અટવાયેલા પતંગ કાઢવા માટે લંગર નાખવાનો પ્રયાસ ન કરવો. આવા પ્રયાસોથી વીજ તાર એકબીજા સાથે અથડાઈ ભારે સ્પાર્કિંગ થવાની સાથે તાર તૂટી જવાની સંભાવના રહે છે, જેના કારણે વીજ પુરવઠામાં વિક્ષેપ તેમજ વીજ ઉપકરણોને નુકસાન થઈ શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ઘરની આસપાસ કે જાહેર સ્થળોએ આવેલા વીજ થાંભલા અથવા તાર પર ફસાયેલા પતંગ કાઢવા માટે લાકડી કે લોખંડની સળીયાનો ઉપયોગ કરવો કે ત્યાં ચઢવાનો પ્રયાસ કરવો અત્યંત જોખમી છે. પતંગ ઉડાડતી વખતે ધાતુના તારનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેનાથી વીજ આંચકો લાગવાની અને ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. મેગ્નેટિક ટેપ, સિન્થેટિક દોરી, વીજ વાહક માંજા અથવા અન્ય પ્રકારના વાયરનો ઉપયોગ પણ ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. આવા સાધનોના કારણે પાવર લાઇન કપાઈ જવાનો ખતરો રહે છે, જેનાથી અચાનક વીજ પુરવઠો બંધ થવાની સાથે વીજ અકસ્માતની ભીતિ પણ રહે છે.

જો ક્યાંય વીજળીના તૂટેલા તાર નજરે પડે અથવા નજીકના વાયર પર કરંટ ઉતરતો જણાય તો તેનાથી દૂર રહેવા અને તાત્કાલિક પીજીવીસીએલની નજીકની પેટા વિભાગીય કચેરીમાં રૂબરૂ અથવા ફોન દ્વારા જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. વીજ સંબંધિત કોઈપણ ફરિયાદ માટે પીજીવીસીએલના ટોલ ફ્રી નંબર 1800 233 155 333 અથવા 19122 પર સંપર્ક કરવા જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, પતંગ મહોત્સવ 2026 દરમિયાન કોઈ જાનહાનિ કે અસુવિધા ન સર્જાય તે માટે પીજીવીસીએલ મોરબી દ્વારા વિસ્તારવાર પેટા વિભાગીય કચેરીઓ તથા ફોલ્ટ સેન્ટરના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે, જે જાહેર જનતાની સલામતી માટે ઉપયોગી રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,210SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page