મોરબી ની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સોસાયટીની નર્કથી બદતર હાલત થઈ ગઈ છે.સ્થાનિકોએ અનેક રજૂઆત કરવા છતાં તંત્રએ નીંભરતાની હદ વટોળી દેતા ભારે હાડમારી ભોગવવી પડતી હોવાની હૈયાવરાળ ઠાલવી છે.
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી વાણિયાવાડી સોસાયટીમાં રહેતા લોકોએ તંત્રના પાપે ભોગવવી પડતી વ્યથા વર્ણવી હતી કે, આ તેમની સોસાયટીમાં અગાઉ રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રોડનું કામ કરવા માટે આખા રોડને ખોદી નાખવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ આગળ કોઈ કામ કરવામાં ન આવ્યું નથી.
આશરે એક મહિનાથી આ રોડનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. જો કે આ રોડનું કામ ફરીથી શરૂ કરવા તંત્રને અનેક રજૂઆત કરી હતી. પણ તંત્રએ હદ બહારની બેદરકારી દાખવીને આ રોડનું કામ શરૂ કર્યું જ નથી.
બીજી તરફ રોડ ખોદી માર્યા હોવાથી અહીં ગટર ઉભરાતાં ગંદા પાણી આખા રોડની માટી પર ફરી વળ્યાં છે. આથી વગર ચોમાસે આ રોડ કિચડથી ખદબદી ઉઠયો છે. રોડમાં એટલી હદે કીચડ સ્થપાય ગયું છે કે અહીંથી નીકળવું મુશ્કેલ બન્યું છે. આખો રોડ કિચડથી લથબથ થઈ જતા લોકોની કફોડી હાલત થઈ ગઈ છે.
શાળાના વાહનોએ અંદર આવવાની ના પાડી દીધી ખોદેલા રસ્તા પર ગંદકી એટલી બધી ફરી વળી છે કે સ્કૂલના વાહનો અંદર આવતા જ નથી. તેથી બાળકોને સ્કૂલે મુકવા જવામાં ભારે હાડમારી ભોગવવી પડે છે. મહિલાઓને રોજિંદા કામ માટે ઘરની બહાર નીકળવા મુશ્કેલી ભોગવવી પડે છે અને વૃદ્ધોને પણ પડવા આખડવાનો ભય રહે છે.
જો કે દિવસે આવી ગંભીર હાલત થતી હોય તો રાત્રે કેવી હાલત થતી હશે તેના વિચાર માત્રથી ધ્રુજી ઉઠાય છે. આ ઉપરાંત આરોગ્ય સામે પણ મોટું જોખમ હોવાથી તંત્ર વહેલાસર યોગ્ય કામગીરી કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

