માળિયા મિયાણા તાલુકાના સોનગઢ પાસે આજે સવારે એક ખાનગી બસ અકસ્માતનો ભોગ બની હતી અને રોડની સાઈડ આવેલા ખાડામાં પલટી મારી ગઈ હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જાન હાની થઇ ન હતી ઘટનાની જાણ થતા આસપાસના લોકો તેમજ માળિયા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને લોકોને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે રવાના કર્યા હતા.
મળતી માહિતી મુજબ કચ્છથી દ્વારકા તરફ જવા નીકળેલી જીજે ૧૨ એ ઝેડ ૪૭૪૪ નંબરની એક ખાનગી બસ માળિયા જામનગર સ્ટેટ હાઈવે પરથી પસાર થતી હતી, ત્યારે સવારે ૯ વાગ્યાની આસપાસ સોનગઢ ગામ પાસે અચાનક કોઈ કારણસર બેકાબુ બની રસ્તાની સાઈડમાં પલટી મારી ગઈ હતી. બનાવ ને પગલે બસમાં સવાર મુસાફરોની ચીચીયારી ગુંજી ઉઠી હતી. જે બાદ આસપાસના લોકો અને વાહન ચાલકો દોડી ગયા હતા અને મુસાફરોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા માળિયા મિયાણા પોલીસ ૧૦૮ની ટીમ સ્થળ પર પહોચી હતી અને ઈજા ગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.

