હળવદ માર્કેટિંગ યાર્ડ સામે રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઈ રતનજીભાઈ બારૈયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ભવાનીનગર ઢોરામાં રહેતા ગોપાલ લીલાભાઈ કોળી, મનસુખ લીલાભાઈ કોળી તથા મહેશ ઉર્ફે મલો ભોલાભાઈ કોળીએ તેમના ઘરમાં ઘૂસી આવી હુમલો કર્યો હતો.
ફરિયાદ મુજબ આરોપીઓને ફરિયાદી મુકેશભાઈના પુત્ર જયદીપનો તેમની બહેન સાથે સંબંધ હોવાની શંકા હતી. આ શંકાના આધારે આરોપીઓએ ઘરમાં ઘૂસી જઈને મુકેશભાઈના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર તલવારથી ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ઉપરાંત મુકેશભાઈ સાથે રહેલી મધુબેન અને દક્ષાબેનને ધોકા વડે માર માર્યો હતો, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથિયાર બંધીના જાહેરનામાના ભંગ સહિત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

