મોરબી આરટીઓ વિભાગ તથા ટંકારા પોલીસ સ્ટેશનના સંયુક્ત આયોજન હેઠળ ટંકારા ખાતે આવેલ અજંતા કોટન પર માર્ગ સલામતીને લઈને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. મોરબી આરટીઓના ઇન્સપેક્ટર આર. એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં માર્ગ સલામતી અંગે વાહનચાલકોને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન અહીં આવતા ટ્રેક્ટર, રિક્ષા, ટ્રક અને પિકઅપ સહિતના વિવિધ વાહનોમાં રેડિયમ લગાવવામાં આવ્યા હતા તેમજ ડ્રાઈવરોને રોડ સેફ્ટી અંગે સમજ આપવામાં આવી હતી. જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવાના ઉદ્દેશથી જિલ્લા માર્ગ સલામતી સમિતિની રચના કરવામાં આવી છે, જે દ્વારા સતત જાગૃતિપૂર્ણ અને વ્યવહારુ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
એપીએમસી મોરબી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર મારફતે પોતાનો પાક લઈને આવે છે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય માર્ગ અકસ્માત ન બને તે માટે ટ્રેક્ટર ચાલકોને માર્ગ સલામતી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન અંદાજે 43 જેટલા વાહનોમાં રેડિયમ લગાવવામાં આવ્યા હતા, જેથી રાત્રીના સમયે રસ્તા પર અન્ય વાહનચાલકોને ટ્રેક્ટર-ટ્રોલી સરળતાથી દેખાય અને અકસ્માતોની શક્યતા ટાળી શકાય.

