ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે બેનરો લગાવવામાં આવ્યાં છે. બહુમાળી ચોક નજીક એક બેનરમાં PM મોદીના ફોટો પર કોઈ અજાણ્યા શખસે શાહી ફેંકી હતી. આ બાબત ધ્યાનમાં આવતાં મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક બેનર દૂર કરી દેવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે કહ્યું હતું કે આ બાબતે હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત વિગત મુજબ આજે ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ રેસકોર્સ ખાતે કાર્યકર્તાઓનું સંબોધન કરવાના છે, જેને લઈને ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્સ સુધી તેમના સ્વાગત માટેના વિશાળ બેનરો લગાવવામાં આવ્યાં છે. એમાં બહુમાળી ચોક નજીક લગાવવામાં આવેલા એક બેનરમાં વડાપ્રધાન મોદીના ફોટામાં મોઢા ઉપર અજાણ્યા શખસે કાળી શાહી લગાવી છે. આ ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે.
રાજકોટ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન પીઆઇ વી.આર. વસાવાએ જણાવ્યું હતું કે, હાલમાં તત્કાલ અસરથી આ બોર્ડ જે-તે જવાબદાર વ્યક્તિ દ્વારા હટાવડાવી દેવામાં આવ્યું છે. કોઈ ફરિયાદ મળી નથી. જો આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જગદીશ વિશ્વકર્મા ખાસ વિમાન મારફત રાજકોટ હીરાસર એરપોર્ટ પહોંચશે, જયાં રાજકોટ મહાનગર-જિલ્લા તથા મોરબી જિલ્લા ભાજપના આગેવાનો સ્વાગત કરશે. બાદમાં એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોક સુધી રાજકોટ-મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ કાર-રેલીથી પ્રદેશ પ્રમુખનું નેતૃત્વ કરશે અને આ રેલી ગ્રીનલેન્ડ ચોક પહોંચ્યા બાદ રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા 1000 જેટલી બાઈક સાથે પ્રદેશ પ્રમુખને આવકારી તેમને બાઈકરેલીના આગેવાનીમાં રેસકોર્સ સુધી લઈ આવશે, જ્યાંથી સીધા સભા સ્થળે પહોંચશે.રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખને આવકાર આપવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને એમાં 20 હજારથી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહે એવી શકયતા સેવાઈ રહી છે. સૌપ્રથમ જગદીશ વિશ્વકર્મા હીરાસર એરપોર્ટ પહોંચશે. આ પછી ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડીએ રાજકોટ શહેરના કાર્યકરો અને આગેવાનો દ્વારા સ્વાગત કરી આવકારવામાં આવશે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સાંજે 5:30 વાગ્યાથી સભા યોજવામાં આવશે. પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે અને તેમના સત્કાર માટે રાજકોટ શહેર જિલ્લા અને મોરબી જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહેશે. નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોઈ બુકે કે ફૂલ ભેટ સ્વીકારવામાં આવતા નથી અને એના સ્થાને તેઓ ચોપડા અને બુક સ્વીકાર કરે છે, જે પછી આ ભેટ તેઓ જે-તે જિલ્લાનાં બાળકોને આપવા માટે જ નિર્ણય કર્યો છે.

