અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘શક્તિ’ વધુ તીવ્ર બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડું ગતિ કરશે. 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ-ટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી ઝાપટા પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ ચોમાસાની સિઝનનું ભારતીય ઉપમહાદ્વીપનું આ પ્રથમ વાવાઝોડું છે, જે ભારતીય કિનારાઓથી દૂર જશે, પરંતુ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતાં માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે સવારે 8:30 કલાકે તે ઉત્તર-પશ્ચિમ અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર કેન્દ્રિત હતું. તે દ્વારકાથી લગભગ 470 કિલોમીટર પશ્ચિમમાં અને નલિયાથી 470 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત હતું. ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના દરિયામાં કરન્ટ જોવા મળ્યો છે. ગંભીર ચક્રવાતી વાવાઝોડું ‘શક્તિ’ છેલ્લા 6 કલાક દરમિયાન 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. જેને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
હાલમાં વાવાઝોડાના કેન્દ્રમાં પવનની ગતિ 95-105 કિલોમીટર પ્રતિ કલાકની છે, જે વધીને 115 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સાંજ સુધીમાં પવનની ગતિ વધીને 110-120 કિલોમીટર પ્રતિ કલાક થશે અને ઝાટકા સાથે 135 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ મહત્તમ તીવ્રતા આગામી 24 કલાક સુધી જળવાઈ રહેવાની સંભાવના છે.
ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર અસર. તા. 4થી 7 ઓક્ટોબર દરમિયાન ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ઝાટકા સાથે 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જોકે આ વાવાઝોડું દરિયામાં જ ગહન બનીને આગળ વધશે, પરંતુ એની અસર ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર અનુભવાશે.
હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના મતે, આ સિસ્ટમ ફરી ગુજરાત તરફ આવશે અને 6થી 7 ઓક્ટોબરના રોજ દક્ષિણ સૌરાષ્ટ્રને વધારે અસર કરશે. જેના કારણે રાજ્યમાં વરસાદનો એક રાઉન્ડ આવશે. ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાની સ્થિતિ ખરાબથી ઘણી ખરાબ રહેવાની સંભાવના છે. માછીમારોને અરબી સમુદ્રના આ અસરગ્રસ્ત વિસ્તારોમાં 7 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.