દિવાળી પહેલાં જ સુરતમાં SOGએ મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 જુદી-જુદી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી અને એનાં ગોડાઉનો પર SOGની ટીમે દરોડા પાડ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાર પાડેલા આ કૌભાંડમાં 1.5 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે જ SOGએ ચાર આરોપીને પણ ઝડપી પાડ્યા છે. હાલ આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બે વર્ષથી આ કારખાનું ચાલતું હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, ભેળસેળિયા ઘીનું વેચાણ ગુજરાતમાં જ નહિ, પણ મહારાષ્ટ્રની બજારમાં કરવામાં આવતું હતું. ઘીને દાણાદાર અને સુગંધ યુક્ત બનાવવા માટે કેમિકલ અને કલરનો ધૂમ ઉપયોગ થતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘી ખાનારાઓને કેન્સર થવાની પૂરી સંભાવના છે. તહેવારને લઈ ઘીની ડિમાન્ડને પહોંચી વળવા માટે ત્રણેય ફેક્ટરીમાં 24 કલાક પ્રોડક્શન ચાલુ રહેતું હતું.
પોલીસે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ચાર આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં જયેશકુમાર રમેશચંદ્ર મહેસૂરિયા (ઉં.વ. 38, રહે. સૂર્યાંજલી રેસિડેન્સી, અમરોલી), અંકિતભાઈ ટેકચંદભાઈ પંચીવાલા (ઉં.વ.36, રહે. વાઇટ પેલેસ એપાર્ટમેંટ, અમરોલી), સુમીતકુમાર જયેશભાઈ મહેસૂરિયા (ઉં.વ.35, રહે. સન રેસિડેન્સી, અમરોલી), દિનેશકુમાર તેજાજી ગેહલોત (ઉં.વ. 32, રહે. ઈવા એમ્બ્રો પાર્ક, અમરોલી) છે. તમામ આરોપીઓનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેનું છે.
SOG પોલીસે રેડ દરમિયાન ભેળસેળયુક્ત ડુપ્લિકેટ ઘી 9919 કિલોગ્રામ, જેની કિંમત આશરે 67,00,550 છે. આ સાથે ડુપ્લિકેટ ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં મશીનો અને કાચા માલ મળીને કુલ 53,55,950ની મત્તાનો મુદ્દામાલ છે, કુલ કબજે કરેલી મત્તા રૂ. 1,20,56,500ની છે. SOGના પીઆઇ અતુલ સોનારાએ આ સમગ્ર કૌભાંડની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ નકલી ઘીમાં દૂધ જેવી કોઈ વસ્તુ જ નહોતી. આરોપીઓ માત્ર આર્થિક ફાયદા માટે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા. આ નકલી ઘી મુખ્યત્વે વનસ્પતિજન્ય તેલો, જેમ કે પામોલીન તેલ અને કોરમ નામના કેમિકલનું મિશ્રણ કરીને બનાવવામાં આવતું હતું. લોકોને એવું લાગે કે તેઓ ગાય કે ભેંસનું શુદ્ધ ઘી ખરીદી રહ્યા છે, એના માટે આરોપીઓ ખાસ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરતા હતા, જે ઓરિજિનલ ઘી જેવી આબેહૂબ ગંધ પેદા કરતું હતું. ગ્રાહકોને છેતરવા માટે ઘીને ઓરિજિનલ દેશી ઘી જેવો પીળો રંગ આપવા માટે એમાં કલર ભેળવવામાં આવતો હતો.
પોલીસ જ્યારે આ ફેક્ટરીઓમાં પહોંચી ત્યારે પ્રોડક્શનનું સ્કેલ જોઈને ચોંકી ઊઠી હતી. ત્રણેય કારખાનાંમાં અદ્યતન ઓટોમેટિક મશીનો મૂકવામાં આવ્યાં હતાં. આ મશીનો એવી રીતે સેટ કરવામાં આવ્યાં હતાં કે એકવાર ઓપરેટ કર્યા બાદ સીધું પેકેજ્ડ ઘી જ બહાર આવતું હતું. દિવાળી પહેલાંની ડિમાન્ડને પહોંચી વળવા માટે આ ત્રણેય ફેક્ટરીમાં 24 કલાક પ્રોડક્શન ચાલુ રહેતું હતું.
દરેક ફેક્ટરીમાં 10થી 15 જેટલા કર્મચારીઓ શિફ્ટવાઇઝ નોકરી કરી રહ્યા હતા, જે સ્પષ્ટ દર્શાવે છે કે આ એક સુનિયોજિત અને મોટે પાયે ચાલતું નેટવર્ક હતું. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ જ આરોપીઓ દ્વારા ઓલપાડમાં પણ એક કારખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની સંભાવના છે, જેની તપાસ હાલ ચાલુ છે.
આ કૌભાંડમાં આર્થિક ગેરલાભનું પાસું સૌથી મોટું હતું. આરોપીઓને એક કિલોગ્રામ નકલી ઘી બનાવવાનો ખર્ચ રૂપિયા 100થી પણ ઓછો થતો હતો. આ ઘી માર્કેટમાં ગ્રાહકોને 680 કિલોના ભાવે વેચવામાં આવતું હતું. વધુ નફો કમાવવા માટે આ લોકો ઘીના ડબ્બા પર એમઆરપી 800થી લઈને 1000 સુધીની છાપતા હતા, જેથી ગ્રાહકોને એમ લાગે કે તેમને ડિસ્કાઉન્ટમાં શુદ્ધ ઘી મળી રહ્યું છે. આ નકલી ઘી 100 ગ્રામના પાઉચથી લઈને 15 કિલો સુધીના મોટા ટિનમાં વેચવામાં આવતું હતું.
રેડ કરવામાં આવેલી ફેક્ટરી અને ગોડાઉનનાં નામ
શ્રી માધવ ડેરી પ્રોડક્ટ: બ્લોક નંબર 84, સરદારનગર, કોસાડ, અમરોલી ખાતે આવેલી ફેક્ટરી અને પ્રમુખ હાઇટ્સ, કોસાડ ખાતે આવેલું એનું ગોડાઉન.
ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ: પ્લોટ નંબર 28, પ્રગતિ ઇકોપાર્ક ઇસ્ટ, ભરથાણા ખાતે આવેલી ફેક્ટરી અને વેદાંત ટેક્સો, કોસાડગામ ખાતે આવેલું ગોડાઉન.
શેડ નંબર 01/A(2), બિલ્ડિંગ-સી, ઇવા ઇમ્બ્રો પાર્ક-02, કોસાડ ગામ: અહીં આવેલી ફેક્ટરી અને પાછળના ભાગે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલું એનું ગોડાઉન.