જૂનાગઢના ગીર પંથકમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસે દરોડો પાડી ચાર યુવતીઓ સહિત 11 લોકોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા લોકોમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી અને રાજસ્થાનના છે. પોલીસે ઘટનાસ્થળેથી 10.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને બાતમી મળી હતી કે, અંબાળા ગામની સીમમાં આવેલા ગીર નેચરલ ફાર્મમાં કેટલાક પુરુષો અને મહિલાઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ કરી હતી. પોલીસે ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ માણતા કુલ 11 લોકોને ઝડપી પાડ્યા હતા. જેમાં 7 પુરુષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. આ લોકો ગુજરાતના અલગ-અલગ શહેરો જેવા કે રાજકોટ, મોરબી, સુરત, અમદાવાદ તેમજ રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી છે.
આરોપી: મેહુલ હરદાસભાઈ બારડ (રહે. ગીર ખોરાસા, હાલ અંબાળા), મુકેશ નરશીભાઈ પણસારા (રહે. રાજકોટ), કેવલ અર્જુનભાઈ ચોવટીયા (રહે. રાજકોટ), દર્શન જગદીશભાઈ છત્રાળા (રહે. રાજકોટ), હરીશકુમાર જસવંતભાઈ ભેંસદળીયા (રહે. મોરબી), મનીષ જીવણભાઈ રગીયા (રહે. મોરબી), ધવલભાઈ અને ખોરાસા ગીરના મેહુલ બારડે પાર્ટીનું આયોજન કર્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં મહેફિલનું આયોજન કરનાર મેહુલ બારડનો પણ સમાવેશ થાય છે, જેની સામે અગાઉ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. આ કેસમાં એક આરોપી માનસિંગ સિસોદિયા હાજર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસે સ્થળ પરથી 55,080 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને અન્ય કિંમતી વસ્તુઓ સહિત કુલ 10,53,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મેંદરડા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ (2016)ની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ એ.એસ.આઈ. એ.એચ. હેરભા ચલાવી રહ્યા છે. આ સફળ કામગીરીમાં મેંદરડા પોલીસના પી.સી.સરવૈયા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

