રવિવારે સવારે ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી. અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે અને 29 લોકો ઘાયલ થયા છે. ગઢવાલ ડિવિઝન કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે, મંદિરમાં ભારે ભીડ એકઠી થઈ હતી.
તેમજ, પોલીસે જણાવ્યું હતું કે, મંદિરના માર્ગમાં સીડીઓ પર વીજ કરંટ લાગવાની અફવા ફેલાઈ હતી. જેના કારણે લોકોમાં અફરા-તફરી મચી જતા નાસભાગ થઈ હતી. SSP પ્રમોદ સિંહ ડોભાલે જણાવ્યું કે- અમને મનસા દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં 35 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી હતી. આ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 6 લોકોના મોત થયા હતા. બાકીના ઘાયલોની સારવાર ચાલી રહી છે.
મનસા દેવી મંદિર હરિદ્વારમાં શિવાલિક પર્વતોમાં બિલ્વ પર્વત પર આવેલું છે. તે હર-કી-પૌરીથી લગભગ 3 કિમી દૂર આવેલું છે અને 1.5 કિમી ચઢાણવાળા રસ્તાથી અથવા રોપવે દ્વારા જઈ શકાય છે.

