નવી શિક્ષણ નીતિ અંતર્ગત ભાર વિનાનું ભણતર અને સપ્તાહમાં એક દિવસ પુસ્તકના જ્ઞાનને બદલે કૌશલ્ય આધારિત અથવા રમત ગમત પર ધ્યાન આપી શકાય તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા સપ્તાહના એક દિવસ શનિવારને બેગ લેસ ડે જાહેર કરાયો છે અને તેના અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં એક દિવસ બાળકોને પુસ્તક બેગ નહી પણ કૌશલ્ય વિકસે યોગ પ્રાણાયમ રમત ગમત સંગીત ચિત્ર સહિતની અલગ અલગ પ્રવૃત્તિ કરાવાશે. શિક્ષણ વિભાગ તરફથી આવેલા પરિપત્રની અમલવારી માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ પ્રાથમિક શાળાઓમાં પત્ર થકી અમલવારી કરવા આદેશ કર્યો હતો. મોટાભાગની સરકારી શાળાઓ દ્વારા તેની અમલવારી શરુ કરી દીધી હતી. મોટાભાગની સરકારી શાળાઓમાં આજે બાળકોને દફતરના બોજ માંથી મુકિત મળી હતી અને યોગ કસરત ચિત્ર સંગીત તેમજ અન્ય અલગ-અલગ ઈતર પ્રવૃત્તિમાં જોડાયા હતા. નવી શિક્ષણ નીતિમાં પુસ્તકના જ્ઞાનની સાથે આ પ્રકારની કૌશલ્ય જ્ઞાન વર્ધન માટે જે અમલવારી શરુ કરી છે. તેનો શાળા સંચાલકો અને વાલીઓ પણ આવકારી રહ્યા છે.
જોકે મોટાભાગની ખાનગી શાળાઓની અમલવારી શરુ થઇ નથી ખાસ કરીને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં બાળકો વહેલી સવારે બેગ લઈને જતા નજરે પડ્યા હતા. તેઓ દ્વારા પરિપત્ર ની અમલવારી થઇ નથી તો કેટલીક ખાનગી શાળાઓ દ્વારા તેઓનો પરિપત્ર ન મળ્યા હોવાનું કારણ આપી જયારે મળશે ત્યારથી શરુ કરીશું તેમ કહી હાથ અદ્ધર કરી દીધા હતા.
જોકે આ અંગે મોરબીની સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોર શુક્લે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સપ્તાહમાં એક દિવસ બાળકોને પુસ્તક સિવાય અન્ય સ્ત્રોત થકી જ્ઞાન આપવાનું જે સૂચન છે તે આવકાર દાયક છે. અમારી શાળામાં 2015થી નો બુક નો બેગ ડે ની અમલવારી કરી છે. હાલ આ પરિપત્રમાં શનિવારને જ નો બેગ ડે તરીકે જાહેર કર્યો. તે નાની શાળાઓ તેમજ સરકારી શાળાઓ માટે અમલ કરવો સરળ બને પરંતુ અમારી શાળામાં એક જ ધોરણના ત્રણ થી ચાર વર્ગ હોય છે. હવે બધા બાળકોને એક સાથે મેદાન સંગીત કે અન્ય પ્રવૃત્તિ એક સાથે કરવી મુશ્કેલ છે. જેથી શિક્ષણ વિભાગ દ્વારા ચોક્કસ દિવસને બેગ દિવસના બદલે આ અભિગમની અમલવારીનું આયોજન શાળાને સોપવું જોઈએ જેથી દરેક બાળકોને પુરતો ન્યાય આપી શકે.
સરકારી શાળાઓમાં પીટી ટીચર, સંગીત ચિત્ર વિષયના શિક્ષકો નથી અમલવારી કેવી રીતે થશે
બેગ લેસ ડે નો ઉદેશ બાળકો સપ્તાહના એક દિવસ પુસ્તકિયા જ્ઞાનના બદલે પ્રેક્ટીકલ જ્ઞાન મેળવે શારીરિક અને માનસિક રીતે સક્ષમ થાય તે માટે રમત ગમત સંગીત સાધના કે ચિત્ર સહિતની તેમની મન ગમતી પ્રવુંતીમાં આગળ વધે તે જરૂરી છે, પરંતુ સરકારી શાળાઓમાં તો પહેલે થી વિષય શિક્ષકોની ઘટ્ટ છે. આ ઉપરાંત વર્ષોથી પીટી ટીચર સંગીત ચિત્ર કે અન્ય પ્રવૃત્તિ કરાવી શકે તેવા એક્સપર્ટ શિક્ષક જ નથી. હવે શાળામાં શિક્ષક જ નથી તો અમલવારી કેવી રતરીતે થશે તે પણ સવાલ છે.
મોરબી જિલ્લાની શાળામાં પરિપત્ર થયો છે હજુ પ્રથમ દિવસ છે એટલે બાળકો બેગ લઈને આવ્યા હોય શકે
રાજ્ય સરકારના શીક્ષણ વિભાગ દ્વારા જે શનિવારે બેગ લેસ ડે જાહેર કરાયો છે. તેની અમલવારી તમામ પ્રાથમિક શાળાઓને કરવાની છે અને અને તમામ સરકારી ખાનગી શાળાઓને પરિપત્ર મોકલી દેવાયો છે. હજુ પ્રથમ શનિવાર હોવાથી કોઈ સ્કુલમાં આયોજન ન થયું હોય શકે અથવા બાળકોની જાણ બહાર હોય આગામી દિવસ થી તેની અમલવારી થાય તેની કાળજી લેવાશે તેમ નમ્રતા મહેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ જણાવ્યું હતું.