ટંકારાના સરાયા અને હીરાપર ગામ વચ્ચે બે બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઘૂંટુ ગામના હરિઓમ પાર્ક સોસાયટીના રહેવાસી અનિરુદ્ધભાઈ ડાયાભાઈ ઓડીયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
અનિરુદ્ધભાઈ પોતાની GJ-36-B-6432 નંબરની બોલેરો ગાડીમાં માલસામાન લઈને જામનગરથી ટંકારા થઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ટંકારાથી જામનગર તરફ જતી બીજી બોલેરો ગાડી GJ-36-V-1850એ તેમની ગાડી સાથે ટક્કર મારી હતી. અકસ્માતમાં અનિરુદ્ધભાઈને માથા, જમણા હાથ, જમણા પગ અને સાથળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતકની બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મૃતકના ભાઈ વિનોદભાઈ ડાયાભાઈ ઓડિયા (ઉ.વ. 57)એ ટંકારા પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જનાર બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.