અત્યાર સુધી તમે પૈસાના કે મિનરલ વોટરના ATM મશીન જોયા હશે. પરંતુ, હવે ગુજરાતમાં GOLD એટીએમ પણ આવી ચૂક્યું છે. રાજ્યમાં સૌ પ્રથમ સુરતમાં ગોલ્ડ ATM મૂકવામાં આવ્યું છે. જેમાં લોકો 24 કલાકમાં ગમે ત્યારે સોના કે ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. આ ગોલ્ડ ATMની મદદથી લોકો 1 ગ્રામથી લઈ 25 ગ્રામ સુધીના સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. ગુજરાતામં પ્રથમવાર શરૂ થયેલું આ ગોલ્ડ ATM કઈ રીતે કામ કરશે અને તેની સુરક્ષાના ફિચર કેવા છે તેની આગળ વાત કરીએ. હવે જ્વેલરી શોરૂમ ઓપન હશે તો જ ગોલ્ડ કે ચાંદી ખરીદી શકાશે એવું નથી, પરંતુ જે રીતે બેંક બંધ થઈ ગયા બાદ પણ એટીએમ મશીનની મદદથી રૂપિયા ગ્રાહકો મેળવી શકતા હતા તેવી જ રીતે હવે ગોલ્ડ એકથી એમ થકી 24 કલાક ગમે ત્યારે ગોલ્ડ અને ચાંદી ખરીદી શકાશે. ગોલ્ડસિક્કા કંપની સાથે મળીને આ ગોલ્ડ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે. જેનાથી વ્યક્તિ કોઈ પણ ડિજિટલ ટ્રાન્જેકશનથી સોનુ અને ચાંદીના સિક્કા પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકશે.
ડી ખુશાલ દાસ જ્વેલર્સના માલિક દિપક ચોકસીએ જણાવ્યું કે, મારા પિતાનું સપનું હતું કે લોકો ખૂબ સરળતાથી સોના અને ચાંદી ખરીદી શકે. ઘણી વખત લોકો વિવિધ પ્રસંગોમાં સોના અને ચાંદીના સિક્કાની ભેટ તરીકે આપતા હોય છે. પરંતુ, ક્યારે રાત્રિના સમયે કે વહેલી સવારે સોનીની દુકાનો બંધ હોય તો તેની ખરીદી કરી શકતા નથી હોતા. પરંતુ હવે આ મર્યાદા પણ દૂર થઈ જશે કારણ કે અમે જે પ્રકારે એટીએમ ગોઠવી રહ્યા છે. તેને કારણે 24 કલાકમાં વ્યક્તિ પોતાની રીતે સોનુ અને ચાંદી ખરીદી શકશે. એટીએમ કાર્ડ તેમજ અન્ય ડિજિટલ કાર્ડ કે યુપીઆઈ થકી આ ખરીદી સરળતાથી કરી શકાશે. આવનાર પેઢી માટે પણ હવે આ ખૂબ જ સરળ રહેશે કારણ કે ડિજિટલ યુગમાં હવે આવી અનેક નવી બાબતો ગ્રાહકો માટે વધુ સરળતા આપનારી રહેશે. અખાત્રીજ હોય કે ગુરુ પુષ્ય નક્ષત્ર હોય આવા દિવસે ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી થતી હોય છે. ત્યારે લોકો સરળતાથી ખરીદી શકશે.

