વિશ્વ રત્ન બાબાસાહેબ ડો.બી.આર.આંબેડકરજીનાં 134 માં જન્મ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી. તા. 14 મી એપ્રિલનાં દિવસે ટંકારા તાલુકામાં પણ ખુબ હર્ષોલ્લાસ સાથે ભીમ જયંતિ ઉજવાઈ. ટંકારા વિસ્તારનાં સર્વ સમાજનાં આગેવાનો તેમજ ધારાસભ્ય સહિતનાં હોદ્દેદારો દ્વારા તથા ગૌતમ બુદ્ધ તથા ડો.આંબેડકર સાહેબની પ્રતિમા ને દિપ પ્રાગટય કરીને નવનિર્મિત ડો.આંબેડકર ભવનથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું.
ટંકારાના મુખ્ય માર્ગો પરથી નિકળતી મહારેલી માટે ઠેર ઠેર ઠંડા પીણાનાં સ્ટોલ તેમજ ભીમ ગરબાનું આયોજન કરાયું હતું. નવનિર્મિત ટંકારા નગરપાલિકા ભવન સ્થિત બુદ્ધ પ્રતિમાને વંદન કાર્યક્રમ રાખવામાં આવેલ. સવારનાં નવ વાગ્યે થી તત્સત્ ગૃપ તરફથી ફ્રી આયુર્વેદિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. વાત્સલ્ય સંસ્થા તરફથી સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ તેમજ બ્લડ ગૃપ ટેસ્ટીંગ કરવામાં આવેલ. જેમાં ગોકુલ હોસ્પિટલ રાજકોટ તરફથી તબીબી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.
આંબેડકર ભવન પર સમાપન સમયે મહારેલી મહાસભામાં ફેરવાઈ. જ્યાં વક્તાઓએ બાબાસાહેબના જીવન સંદેશ વિષે માહિતગાર કર્યા હતાં. આ સમયે સમારંભ દરમિયાન દાતાઓને ફુલહારથી સન્માનિત કરાયાં હતાં. આ અવસરે મૈત્રી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.