વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ વિસ્તારમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં સ્પેશ્યલ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ પીડિતાને રૂપિયા 6 લાખનું વળતર આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
ગત વર્ષે 21 મે 2022ના રોજ આ કેસ નોંધાયો હતો. આરોપીએ સગીરાને બિસ્કિટ અને ચોકલેટની લાલચ આપી શારીરિક છેડછાડ અને દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી તમામ પુરાવા એકત્રિત કર્યા. 24 જૂન 2022ના રોજ સ્પેશ્યલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ કેસની મજબૂત રજૂઆત કરી. દસ્તાવેજી પુરાવા, મેડિકલ રિપોર્ટ અને ફોરેન્સિક પુરાવાના આધારે 2 એપ્રિલ 2025ના રોજ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસની કાર્યવાહી અને કોર્ટની કડક સજાથી પીડિતાને ઝડપી ન્યાય મળ્યો છે.