ઉત્તરપ્રદેશમાંથી મુંબઈ રવાના કરેલા રૂ. ૧ કરોડ ૬૦ લાખ, ૬૮૧૨ની કિમતના એલ્યુમીનીયમનો જથ્થો ભરેલા બે ટ્રકને મહારાષ્ટ્રમાં પહોચાડવાને બદલે અમદાવાદ લાવી બારોબાર વેચી મારવાના ગુન્હામાં ઉત્તરપ્રદેશના પોલીસ મથકમાં ૧૧ શખ્શો સામે ગુન્હો નોંધાયો હતો. જેમાં બે આરોપીઓ સૌરાષ્ટ્રના, મોરબી જીલ્લાના વાંકાનેર શહેરના હોવાનું બહાર આવતા યુપીની પોલીસના પીઆઈ શ્રીરામ યાદવ અને હેડ કોન્સ્ટેબલ સંજય વર્મા રાજકોટ આવ્યા હતા અને ભક્તિનગર પોલીસને સમગ્ર બનાવથી વાકેફ કરીને મદદ માગી હતી. આ સમયે ભક્તિનગર પોલીસના પીઆઈ એમ.એમ. સરવૈયા, પીએસઆઈ જે.જે.ગોહિલ, સ્ટાફના પો.કો. નિખીલભાઈ અને રાજદીપસિંહ સહિતની ટીમે યુપી પોલીસની સરાહનીય મદદ કરી વાંકાનેર પહોંચ્યા હતા. પણ બંને આરોપી નહિ મળતા બંનેના ઘરે યુપીની પોલીસે કોર્ટમાં હાજર થવાનું અને હાજર ન થાય તો આરોપીની મિલકત જપ્ત કરવાનું જાહેરનામું ચિપકાવી દેવાયું છે.
આ બાબતે વધુ વિગતો આપતા પીઆઈ શ્રીરામસિંહ યાદવ અને હેડ કોન્સ્ટેબલ સંજય વર્માએ જણાવ્યું હતું કે, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ રાણુકુટમાંથી ૧,૬૦,૬૮,૮૧૨ રૂપિયાની કિંમતનો ૬૨ મેટ્રિક ટન એલ્યુમિનિયમ જથ્થો ભરીને મહારાષ્ટ્રના દલવી જઈ રહેલા આરોપીઓ બે ટ્રક વચ્ચેથી ગાયબ કરીને અમદાવાદ લઈ ગયા હતા અને અમદાવાદમાં કોઈને વેચી દીધા હતા.
ઉત્તરપ્રદેશની પોલીસની તપાસ દરમિયાન આ કૌભાંડમાં ૧૧ શખ્સોની સંડોવણી બહાર આવતા અમદાવાદ તેમજ યુપી વિસ્તારના નવ જેટલા આરોપીની અગાઉ ધરપકડ કરી લીધી છે. જ્યારે સૌરાષ્ટ્રના બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર છે. જેમાં મોરબી જીલ્લાના ટ્રક માલિક મોહમ્મદ ઇમરાનભાઈ કાઝીના પુત્ર આયુમ (રહે. ભાટિયા સોસાયટી, વાંકાનેર) તેમજ ટ્રક ડ્રાઈવર લાલાભાઈ ઉર્ફે ભૂષણભાઈ લખદીરનો પુત્ર પ્રવિણ (રહે. જીનપરા ભાટિયા, વાંકાનેર)નો સમાવેશ થતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ઉત્તરપ્રદેશના સોનભદ્રના પીપરી પોલીસ સ્ટેશનમાં આઈપીસી 42/2024 કલમ 407/ 411/ 419/ 420/ 467/ 468/ 471/ 34/120બી મુજબ નોંધાયેલ ગુન્હામાં વાંકાનેરના ઉપરોક્ત બંને શખ્શોની શોધખોળ માટે ઉત્તર પ્રદેશ પોલીસ રાજકોટ આવતા ભક્તિનગર પોલીસ દ્વારા તેમને મદદ કરાઈ હતી. વાંકાનેર તપાસના અંતે બંને આરોપીઓ ન મળતા સીજેએમ કોર્ટે બંનેની વિરુદ્ધ હાજર થવા જાહેરનામું બહાર પાડ્યું છે અને જો આરોપીઓ હાજર નહિ થાય તો તેમની મિલકત જપ્ત કરવામાં આવશે તેવી તાકીદ કરતી નોટીસ/જાહેરનામું બંનેના ઘર પર ચિપકાવી દેવાઈ હોવાનું પીઆઈ યાદવે જણાવ્યું હતું.