મોરબી ઐતિહાસિક ધરોહર બાબતમાં મહત્વનું શહેર છે. શહેરની સ્થાપના થી લઈ આઝાદી સુધી આ શહેરની એક અલગ ઓળખ હતી. તમામ રાજાઓ દ્વારા તેમના શાસન માં મોરબીને વિકાસ બાબત હોય કે ઐતિહાસિક ધરોહર આપવાની જરૂર હોય રાજવી પરિવાર દ્વારા તે પૂર્ણ કરી હતી. મોરબીને યુરોપિયન દેશોની હરોળમાં લાવવા વાઘજી ઠાકોરે તમામ પ્રયત્ન કર્યા હતા. ભવ્ય ઇમારત ની વાત કરીએ તો નજરબાગ પેલેસ,દરબાર ગઢ, ગ્રીન ચોક ગેટ, નગર દરવાજા,ગઢની રાંગ વિસ્તાર તેમજ જયપુર શહેરની માફક મોરબી બજાર પણ જેતે સમયે તૈયાર કરી હતી તો આજના સમયમાં મણી મંદિર તરીકે પ્રસિધ્ધ વાઘ મ્હેલ પણ રાજવી પરિવારની ભેટ છે.

આઝાદી પછી આ મહેલમાં સરકારી કચેરી બેસતી હતી. 1979નું જળ પ્રલય અને 2001માં ધરતી કંપને કારણે આ વાઘ મહેલ ક્ષતિ ગ્રસ્ત થયો હતો. જેને રાજવી પરિવાર દ્વારા ફરી એકવાર નવ નિર્માણ કરાવ્યું હતું. બે વર્ષ પહેલાં લોકો આ વિરાસતને જોઈ શકે અને ઇતિહાસ થી વાકેફ થાય તે માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જોકે કેટલાક તોફાની તત્વોને કારણે ફરી બંધ કરવો પડ્યો હતો અને નુકશાન થયેલ જગ્યા ફરી રિપેર કરવામાં આવી રહ્યું હતું અને આગામી બે થી ત્રણ મહિનામાં આ રિનોવેશન કામ ફરી એકવાર પૂર્ણ થાય તેવી શક્યતા છે. આ રીનોવેશનની સાથે સાથે આ મણી મંદિર ને ઐતિહાસિક મ્યુઝીયમ તરીકે વિકસાવવામાં આવશે રાજવી પરિવારની ઐતિહાસિક ધરોહરની દેખરેખ રાખતા મનોહર સિંહજી એ જણાવ્યું કે, વાઘ મહેલ ને ઐતિહાસિક મ્યુઝીયમ તરીકે વિકસાવવાનું કામ ચાલી રહ્યુ છે. આ મહેલમાં મોરબી સહિત દેશના રાજવી પરિવારના ઇતિહાસ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતભરની લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય વિરાસતની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે. રાજસ્થાનના મહેલો જે રીતે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતાં હોય તો તે રીતે મોરબીનો પણ ઇતિહાસ લોકો સુધી પહોંચે અને મોરબીના ભવ્ય ઇતિહાસ પ્રત્યે ગૌરવ લઇ શકે તેવો પ્રયાસ કરવામાં આવશે.