HomeGujaratરાજકોટમાં આયોજિત સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ, પોલીસે લગ્નવિધિ કરાવી

રાજકોટમાં આયોજિત સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ, પોલીસે લગ્નવિધિ કરાવી

રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થઈ જતાં અને લગ્નસ્થળે કોઈ વ્યવસ્થા ન હોવાથી પરણવા આવેલાં વરવધૂ અને તેમનાં પરિવારજનો મુશ્કેલીમાં મુકાયાં હતાં. રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી લોકો જાન જોડીને પરણવા પહોંચ્યા હતા, પરંતુ અહીં કોઈ વ્યવસ્થા જ ન હતી અને આયોજકો પણ ગાયબ હતા, જેના કારણે જાન લીલા તોરણે જ પરત ફરવા લાગતાં કન્યાઓ રડી પડી હતી. તો બીજી તરફ પરિવારજનોએ હોબાળો મચાવતાં રાજકોટ પોલીસ દોડી આવી હતી અને માનવતાવાદી વલણ અપનાવી લગ્નની વિધિ સંપન્ન કરાવવાની જવાબદારી લીધી હતી. રાજકોટ પોલીસના ડીસીપી, એસીપી સહિતના સ્ટાફે નવદંપત્તીને આશીર્વાદ આપતા લોકોએ તાળીઓ પાડી રાજકોટ પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

પોલીસની સાથે સાથે રાજકોટના સામાજિક આગેવાનો પણ આગળ આવ્યા હતા અને લગ્નપ્રસંગે નવવધૂને જે કરિયાવર આપવાનો હોય છે તેની વ્યવસ્થા કરી આપી હતી. તો બીજી તરફ સામાજિક સંસ્થાઓ ભોજનની પણ તાત્કાલીક વ્યવસ્થા કરી આપી હતી. રાજકોટ પોલીસે લગ્નવિધિ શરૂ કરાવ્યા બાદ જે આયોજક સામે આક્ષેપો થયા તેની સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. તો બીજી તરફ આયોજક ચંદ્રેશ છત્રોલાએ પોતાની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં એડમિટ હોવાનું સ્ટેટસ મૂક્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, હોસ્પિટલે તેને શુક્રવારે રાત્રે જ ડિસ્ચાર્જ કરી દીધો હોવાનું પોલીસને જણાવ્યું છે. સમૂહલગ્નના આયોજકોએ વર અને કન્યાપક્ષ પાસેથી 15થી 40 હજાર રૂપિયા ફી પેટે લીધા હોવાનું સામે આવ્યું છે.

જોકે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો આવ્યા તો કોઈપણ આયોજકો હાજર હતા નહીં. એના કારણે આ અંગે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં હાલ પોલીસ દોડી આવી છે અને સૌપ્રથમ જે લોકોનાં લગ્ન અટક્યાં હોય એ લગ્નો પૂર્ણ કરાવવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી લગ્નવિધિ શરૂ કરાવી સમૂહલગ્ન સ્થળ પર હોબાળો થતાં રાજકોટનાં એસીપી રાધિકા ભારાઈ, ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતનો પોલીસકાફલો લગ્નસ્થળ પર પહોંચ્યો હતો. આ સમયે કેટલાક વરઘોડિયા તો લીલા તોરણે પરત ચાલ્યા ગયા હતા. પોલીસે સ્થિતિને પારખીને પોતે જ લગ્નવિધિ સંપન્ન કરાવવાની જવાબદારી લીધી હતી અને જે વરઘોડિયા પરત ગયા હતા તેમને બોલાવ્યા હતા અને લગ્નવિધિ શરૂ કરાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW