રાજ્ય ની વિવિધ સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થામાં આજે મતદાન યોજાયું હતું. મોરબી જિલ્લામાં પણ બે હળવદ નગર પાલિકા ની સામન્ય ચૂંટણી, વાંકાનેર નગર પાલિકા ની મધ્ય સત્ર ચૂંટણી ઉપરાંત બે તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી યોજાઈ હતી તમામ વિસ્તારોમાં કોઈ પણ વિવાદ વિના શાંતિ પૂર્ણ હાલત માં ચૂંટણી યોજાઈ હતી
. જેમાં વાંકાનેર નગરપાલિકાની મધ્યસ્ત્રની ચૂંટણીમાં કુલ 28 બેઠકો પૈકી 15 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ ચૂંટણી માટે 11417 પુરુષ અને 10940 સ્ત્રીઓ મળી કુલ 22357 મતદારો નોંધાયા હતા.જેમાંથી 11519 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જેમાં 6318 પુરુષ, 5201 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે ટકાવારીમાં વાંકાનેર નગરપાલિકામાં કુલ સરેરાશ 51.52 ટકા મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત હળવદ નગરપાલિકાની વાત કરીએ તો હળવદ નગરપાલિકાની પણ સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. હળવદ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. જેમાં 14107 પુરુષ, 13364 સ્ત્રી મળીને કુલ 27471 મતદારો નોંધાયા હતા. જેમાંથી 9519 પુરુષ, 7954 સ્ત્રી મળી કુલ 17473 મતદારોએ પોતના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ટકાવારી દ્રષ્ટિએ જોઈએ તો હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં 63.61 ટકા મતદાન થયું હતું. તે ઉપરાંત મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાના ચંદ્રપુર પંચાયત અને માળીયા તાલુકાની સરવડ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી.જેમાં વાંકાનેર તાલુકાના ચંદ્રપુર પંચાયતની ચૂંટણી માટે 7218માંથી 4258 મતદારોએ પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમજ આ ચૂંટણીમાં 58.99 ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું.જ્યારે માળીયા તાલુકાની સરવડ બેઠક પર પેટા ચૂંટણીમાં કુલ 3143માંથી 2011 મતદારોએ મતદાન કર્યુ હતું અને 63.98 ટકા સરેરાશ મતદાન થયું હતું.